News of Wednesday, 23rd April 2025
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ : વડાપ્રધાનનું વર્ચ્યુઅલ સંબોધન : મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની ઉજવણી
વડાપ્રધાનના હસ્તે પંચાયત એવોર્ડ અને આવાસ યોજનાના લાભોનું વિતરણ : ગુજરાતમાં વિકાસ કામોના ઈ-લોકાર્પણ - ખાતમુહૂર્ત અને પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્ષ વર્કશોપ યોજાશે

ગાંધીનગર: આવતીકાલે, 24 એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બિહારના મધુબની ખાતેથી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેશે અને દેશભરના લોકોને વર્ચ્યુઅલી સંબોધન કરશે. આ કાર્યક્રમમાં તેઓ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, તેમજ વિવિધ લાભોનું વિતરણ પણ કરશે.
વડાપ્રધાન મોદી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી પંચાયતોની સિદ્ધિઓને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો પણ એનાયત કરશે. આ ઉપરાંત, તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના દેશભરના 15 લાખ નવા લાભાર્થીઓને મંજૂરીપત્રો સોંપશે અને 10 લાખ લાભાર્થીઓને હપ્તાઓ પણ રિલીઝ કરશે.
ગુજરાતમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાનો 'રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ' મહેસાણા જિલ્લાના આખજ ગામ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ સહિત અન્ય મહાનુભાવો અને હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.
રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ જિલ્લાઓની પંચાયતોના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત, રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરના પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્ષના વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્ષ 2022-23ના રિપોર્ટમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
