News of Wednesday, 23rd April 2025
પહેલગામ આતંકી હુમલાના ભોગ બનેલા ભાવનગરના બે મૃતદેહ અમદાવાદ લવાયા : મંત્રીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મૃતદેહોને શ્રીનગરથી અમદાવાદ અને ત્યારબાદ ભાવનગર સુધી પહોંચાડવા માટેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી

અમદાવાદ: જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના બે નાગરિકોના મૃતદેહને આજે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. એરપોર્ટ પર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને મંત્રી મુકેશ પટેલે સ્વર્ગસ્થોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પહેલગામના આતંકવાદી હુમલામાં ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહોને આજે શ્રીનગરથી વિમાન માર્ગે ગુજરાત પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત દિશાનિર્દેશનમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે. ભાવનગરના બે મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યારબાદ પાઈલોટિંગ સાથે ભાવનગર સુધી પહોંચાડવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ટૂંક સમયમાં ભાવનગર પહોંચીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શન હેઠળ ગુજરાત વહીવટી તંત્રે કાશ્મીર વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહીને જરૂરી તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આ ઘટના પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતને વખોડી કાઢી હતી અને જણાવ્યું હતું કે આતંકવાદીઓએ હિન્દુઓને શોધીને મારવાની નીતિ અપનાવી છે, જેના કારણે આજે દેશ અને દુનિયા સ્તબ્ધ છે.
અમદાવાદ એરપોર્ટ પર પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક પણ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગસ્થોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
