<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

સોશિયલ મીડિયા થકી નાગરિકોએ પોતાનો પુણ્‍યપ્રકોપ ઠાલવ્‍યોઃ કાશ્‍મીરની આતંકવાદી ઘટના બાદ લોકોમાં પ્રચંડ આક્રોશ

હવે ભાષણબાજી બહુ થઇ, કાશ્‍મીરનો બદલો POK લઇને બતાવો : રાજ્‍યમાં વિવિધ સ્‍થળે શ્રધ્‍ધાંજલિના કાર્યક્રમ યોજાયા

અમદાવાદ,તા.૨૪: જમ્‍મુ-કાશ્‍મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની ત્રાસવાદીઓ દ્વારા કરાયેલી નિર્મમ હત્‍યાના કારણે સમગ્ર રાજ્‍યમાં સંવેદના સાથે આતંકવાદીઓ સામે આક્રોશનો માહોલ રહ્યો હતો. આ ઘટનામાં ગુજરાતના ત્રણ વ્‍યક્‍તિના પણ મળત્‍યુ થયા છે. દિવસભર ત્રાસવાદીઓ દ્વારા કેટલી બર્બરતાથી પરિવાર સાથે આનંદ માણતા સહેલાણીઓની હત્‍યા કરવામાં આવી તેની વિગતો બહાર આવતી ગઈ તેમ તેમ નાગરિકોમાં આતંકવાદીઓ સાથે પાકિસ્‍તાન સામે બદલો લેવા સરકાર કોઈ નિર્ણાયક પગલા ઉઠાવે તેવી લાગણી દર્શાવતા સંદેશા પણ સોશિયલ મીડિયામાં વાઇરલ બન્‍યા હતા. સમગ્ર દેશમાં એકસમાન જુવાળ ઉઠતો હોય તેવો માહોલ જોવા મળ્‍યો હતો. અમદાવાદ સહિત રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં કાયરતાપૂર્ણ આતંકવાદી ઘટનામાં મળત્‍યુ પામેલા નાગરિકોને શ્રધ્‍ધાંજલિ આપતા કાર્યક્રમો પણ યોજાયા હતા. અનેક સ્‍થળે દુકાનો-બજાર બંધ રાખીને મળતકો અને તેમના પરિવાર પ્રત્‍યે સહાનુભૂતિ વ્‍યક્‍ત કરવામાં આવી હતી. તે સાથે ઉનાળાના ગુજરાતી પરિવારો મોટાપાયે કાશ્‍મીરમાં ફરવા જતા હોય છે તેમણે જવાનું બંધ કરવું જોઈએ તેવો જુવાળ પણ ઉઠ્‍યો હતો અને તેની અસરના ભાગરૂપે છેલ્લા બે દિવસમાં જ મોટાપાયે કાશ્‍મીરના પ્રવાસના બૂકિંગ રદ કરવામાં આવ્‍યા હતા. પહેલ ગામમાં પતિ પાસે બેસીને રડી રહેલી પત્‍નીની તસવીરને સૌથી વધુ શેર કરી તેની સાથે લોકોએ પોતાની ભાવના અને પુણ્‍યપ્રકોપ વ્‍યક્‍ત કર્યો હતો. સખત કાર્યવાહીની માગ ઉઠવા પામી છે.(૪૦.૨)

 સોશિયલ મીડિયા થકી નાગરિકોએ વિવિધ રીતે પોતાનો ગુસ્‍સો વ્‍યક્‍ત કરતી પ્રતિક્રિયા આપી..

*પહેલગામના આતંકી હુમલાને કોણ કોણ નથી વખોડતા તેની યાદી બનાવો ચૂંટર્ણી વખતે કામમાં આવશે

*કહે છે કે આતંકીઓનો કોઇ ધર્મ હોતો નથી પરંતુ પહેલગામમાં ધર્મ પૂછીને જ ગોળીઓ મારી

*એકતાને તોડનારા આતંકીઓને એવો જવાબ આપો કે બીજી વખત કોઇ હિંમત ન કરે

*ધર્મ પૂછયો છે, જાતિ નહીં પ્રદેશને જાતિ-જ્ઞાતિના નામે તોડવા માગતા રાજકારણીઓ યાદ રાખજો

*પાકિસ્‍તાન સામે એવો બદલો લેવાય કે બીજી વખત કાશ્‍મીર જ નહીં દેશભરમાં આતંકી ઘટનાના કારણે કોઈનો જીવ ન જાય

*આતંકવાદીઓ અને પાકિસ્‍તાનની ચાલમાં આવી રમખાણો ના કરતા, દેશમાં હિન્‍દુ-મુસ્‍લિમ સહિત તમામ વચ્‍ચે એકતાનો માહોલ છે તે જાળવી રાખજો

*સર્જિકલ સ્‍ટ્રાઇક-થી લોડિંગ

*દેશના નાગરિકો માટે લશ્‍કરી તાલીમ ફરજીયાત કરો

*હવે મીટિંગો અને ભાષણબાજીમાંથી બહાર આવજો નહીં તો ફરી વખત તમને પણ તક નહીં આપીએ

*કાશ્‍મીરમાં હુમલો કર્યો છે તો હવે પાકિસ્‍તાને પચાવી પાડેલું કાશ્‍મીર(પીઓકે) પડાવી લો

*કોઇ સમજૂતી, આશ્વાસન નહીં, એવો બદલો લો કે ઇતિહાસ યાદ રાખે

*હવે નૌટંકીબાજી બહુ થઇ, બધુ લશ્‍કરને સોંપી ઘે, ભૂતકાળ જેવો સબક ફરી શીખવાડે

(10:00 AM IST)