<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

પહેલગામ આતંકી હુમલો : ‘હિન્દુ-મુસલમાન અલગ થાઓ’ : આતંકીઓનો ઘાતકી ખેલ : શૈલેષ કળથિયાના પુત્રનો ચોંકાવનારો ઘટસ્ફોટ

મૃતકોના પરિવારજનોની ન્યાયની માગ : સુરક્ષા ખામીઓ પર ઉઠ્યા સવાલ

સુરત : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા ભયાનક આતંકી હુમલામાં 26 લોકોના જીવ ગયા, જેમાં ગુજરાતના ત્રણ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં સુરતના શૈલેષ કળથિયા અને ભાવનગરના પિતા-પુત્ર યતીશ પરમાર તથા સ્મિત પરમારનું મોત થયું હતું. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. શૈલેષ કળથિયાના પુત્ર નક્ષે આ હુમલા અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે, જેમાં તેણે આતંકીઓની નિર્દયતા અને હુમલાની ભયાનક ક્ષણોનું વર્ણન કર્યું છે. આ ઉપરાંત, મૃતકોના પરિવારજનોએ સુરક્ષા ખામીઓ પર સવાલ ઉઠાવી ન્યાયની માગણી કરી છે.

શૈલેષ કળથિયાના પુત્રનો ઘટસ્ફોટ - ‘આતંકીઓએ હિન્દુઓને નિશાન બનાવ્યા’:
શૈલેષ કળથિયાના પુત્ર નક્ષે જણાવ્યું કે, તેમનો પરિવાર પહેલગામના બૈસરણ મેદાન, જે ‘મીની સ્વિટ્ઝર્લેન્ડ’ તરીકે ઓળખાય છે, ત્યાં ફરવા ગયો હતો. રસ્તો ખરાબ હોવાથી તેઓ ઘોડે સવારી કરીને આ સ્થળે પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેમને ભૂખ લાગી, પરંતુ અચાનક જ ગોળીબારનો અવાજ સંભળાયો. નક્ષે કહ્યું, “અમે બધા ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગવા લાગ્યા. આ દરમિયાન આતંકીઓ અમારી સામે આવી ગયા. તેમણે ચીસ પાડીને કહ્યું, ‘મુસલમાન અલગ થઈ જાઓ, હિન્દુ અલગ થઈ જાઓ.’ આ પછી તેમણે હિન્દુઓ પર ગોળીઓ ચલાવી.”

નક્ષે વધુમાં જણાવ્યું કે, આતંકીઓએ હિન્દુ પ્રવાસીઓને ઓળખીને નિશાન બનાવ્યા અને તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. તેણે એક આતંકીનું વર્ણન કરતા કહ્યું, “એક આતંકીની દાઢી ખૂબ લાંબી હતી, તેના માથે ટોપી હતી અને તેની સાથે કેમેરો પણ હતો.” હુમલા બાદ આતંકીઓ ત્યાંથી ફરાર થઈ ગયા, જ્યારે નક્ષ અને તેનો પરિવાર બચીને નીચે ભાગી આવ્યા. આ હુમલામાં શૈલેષ કળથિયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

શૈલેષના પત્ની શીતલે સાંસદ સી.આર. પાટીલ સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી. તેમણે કહ્યું, “આટલા પ્રવાસીઓ હોવા છતાં ત્યાં કોઈ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતું. અમે સરકાર અને આર્મી પર ભરોસો રાખીને ફરવા ગયા હતા, પરંતુ આર્મી કેમ્પના જવાનો કહે છે કે તમે ઉપર ફરવા કેમ જાઓ છો? વીઆઈપી માટે જે સુવિધાઓ છે, તે સામાન્ય લોકો માટે કેમ નથી?” તેમણે વધુમાં જણાવ્યું કે, આટલી મોટી ઘટના બની, છતાં આર્મીને સમયસર ખબર ન પડી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક મદદ ન મળી. શીતલે આ ઘટના માટે જવાબદારો સામે કડક કાર્યવાહીની માગણી કરી છે.

ભાવનગરના પિતા-પુત્રની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ જોડાયા:
આ હુમલામાં ભાવનગરના યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનું પણ મોત થયું હતું. તેમના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા અને ત્યાંથી ભાવનગર લઈ જવાયા. મૃતદેહ જોતાં જ યતીશના પત્ની અને સ્મિતના માતા કાજલબેન ભાવવિભોર થઈ ગયા અને તેમનું હૈયાફાટ રૂદન ફાટી નીકળ્યું. યતીશ અને સ્મિતની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, કલેકટર ડો. મનીષ બંસલ સહિત અનેક અધિકારીઓ અને નગરસેવકો જોડાયા હતા. આ ઘટનાએ ભાવનગરમાં શોકનું મોજું ફેલાવ્યું છે.

આ હુમલાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ વ્યાપી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની કડક નિંદા કરી અને જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. ગૃહમંત્રી અમિત શાહે સ્થળની મુલાકાત લઈને પીડિત પરિવારોને મળીને તેમના દુઃખમાં સહભાગી થયા હતા. આ હુમલાની જવાબદારી ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) નામના આતંકી સંગઠને લીધી છે, જે લશ્કર-એ-તૈયબાનું પેટાસંગઠન છે.

સુરક્ષા દળોએ હુમલાખોરોને પકડવા માટે બૈસરણની આસપાસના જંગલોમાં મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે ત્રણ આતંકીઓના સ્કેચ પણ જાહેર કર્યા છે. આ ઘટનાએ પહેલગામ જેવા પ્રવાસી સ્થળોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

 

(10:45 AM IST)