તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
‘મિઝલ્સ અને રૂબેલા નાબુદી અભિયાન ૨૦૨૫-૨૬’નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ : ગુજરાતમાં ૨૦૨૪માં ઓરીના કેસમાં નોંધપાત્ર ઘટાડો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડા દ્વારા નવી દિલ્હીથી અભિયાનની શરૂઆત : ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ : રાજ્યમાં ઓરી નાબૂદી માટે સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાશે

ગાંધીનગર: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડાએ ‘મિઝલ્સ અને રૂબેલા નાબુદી અભિયાન ૨૦૨૫-૨૬’ અંતર્ગત નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે નવી દિલ્હીથી રાષ્ટ્રવ્યાપી અભિયાનનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીએ ઓરી અને રૂબેલા નાબૂદી અભિયાન સંબંધિત જાગૃતિ માટેની પુસ્તિકા, પત્રિકા અને પોસ્ટરનું પણ વિમોચન કર્યું હતું. આ શુભારંભ કાર્યક્રમમાં ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.
સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં ઓરી અને રૂબેલાની રસીનો પ્રથમ ડોઝ બાળકને ૯-૧૨ મહિને અને બીજો ડોઝ ૧૬-૨૪ મહિનાની ઉંમરે આપવામાં આવે છે. રાજ્યમાં ઓરીનું નિવારણ લાવવા માટે વર્ષ ૨૦૧૮માં મિસલ્સ રૂબેલા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ૯ મહિનાથી ૧૫ વર્ષ સુધીના ૧.૪૫ કરોડથી વધુ બાળકોને રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યા હતા.
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬ સુધીમાં સમગ્ર દેશને ઓરી અને રૂબેલા મુક્ત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તમામ રાજ્યોમાં ઓરી અને રૂબેલાનું સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે અને તાવ તેમજ ફોલ્લી ધરાવતા તમામ કેસોની તપાસ કરીને સઘન સારવાર અને અટકાયતના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના પરિણામે ગુજરાતમાં વર્ષ ૨૦૨૩માં ઓરીના લગભગ ૪,૦૦૦ કેસની સામે વર્ષ ૨૦૨૪માં આ કેસ ઘટીને માત્ર ૪૭૧ નોંધાયા છે, જે ઓરીના કેસમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.
આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા મિઝલ્સ રૂબેલા નાબૂદી માટે સઘન પગલાં લેવામાં આવશે. મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેટ સ્ટીયરીંગ કમિટીની બેઠકમાં કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સહિત અન્ય વિભાગના અધિકારીઓએ આ માટે રણનીતિ તૈયાર કરી છે અને તેના અમલ માટે સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા અને કોર્પોરેશન દ્વારા નિયમિત સર્વેલન્સ કામગીરીને વધુ સઘન બનાવવામાં આવશે અને તમામ સ્તરે ઘનિષ્ઠ સુપરવિઝન અને મોનીટરીંગ કરવામાં આવશે. દર સોમવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તેની સમીક્ષા કરવામાં આવશે.
તમામ રસીકરણથી વંચિત રહી ગયેલા બાળકો માટે આગામી ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં સઘન મિશન ઈન્દ્રધનુષ યોજવામાં આવશે અને પાંચ વર્ષની વયના તમામ બાકી બાળકોનું મિઝલ્સ અને ઓરીનું રસીકરણ કરવામાં આવશે. વર્ષમાં ચાર વિશેષ રસીકરણ સપ્તાહ પણ યોજવામાં આવશે. વર્ષ ૨૦૨૬ સુધીમાં ઓરી અને રૂબેલા નાબૂદ કરવાના પ્રયાસોના ભાગરૂપે ખિલખિલાટ ડ્રાઇવ અને ઓરી-રૂબેલા ડ્રાઇવ જેવી વિશેષ ઝુંબેશો ચલાવવામાં આવી રહી છે, જેમાં હજારો બાળકોને રસી આપવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં MR 1 અને MR 2નું ૯૫% રસીકરણ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે સઘન પ્રયાસો ચાલુ છે.
આ ઉપરાંત, તા. ૨૪ થી ૩૦ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન વિશ્વ રસીકરણ સપ્તાહ, તા. ૨૪ એપ્રિલે ખિલખિલાટ રસીકરણ, તા. ૨૬ એપ્રિલે ઓરી અને રૂબેલા રસીકરણ અને તા. ૩૦ એપ્રિલે મમતા દિવસની ઉજવણી કરવામાં આવશે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
