તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું ૧૨મું સ્કિન ડોનેશન : ઘરે જઈ ત્વચા સ્વીકારાઈ
ઘોડાસરના ૬૯ વર્ષીય મહિલાના નિધન બાદ પરિવારે દર્શાવેલી સંમતિ : સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ઘરેથી ત્વચાનું દાન સ્વીકારવામાં આવ્યું : સ્કીન દાન માટે ૯૪૨૮૨૬૫૮૭૫ પર સંપર્ક થઈ શકશે

અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલને વધુ એક માનવતાભર્યું સ્કિન ડોનેશન પ્રાપ્ત થયું છે. આ વખતે શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા ૬૯ વર્ષીય પટેલ વિલાસબેન કીર્તીકુમારના નિધન બાદ તેમના પરિવારે સ્કિન ડોનેશન માટે સંમતિ દર્શાવતા સિવિલ હોસ્પિટલને ૧૨મું સ્કિન ડોનેશન મળ્યું છે. ખાસ વાત એ છે કે હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડોકટરોની ટીમે દાતાના ઘરે જઈને મૃતક દર્દીની ત્વચા સ્વીકારી હતી.
સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ. જયેશ સચદેએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. ૨૨/૦૪/૨૦૨૫ના રોજ સિવિલ હોસ્પિટલની સ્કિન બેંકના હેલ્પલાઇન નંબર ૯૪૨૮૨૬૫૮૭૫ પર કોલ આવ્યો હતો. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલી શ્રદ્ધા બાળકોની હોસ્પિટલના ડૉ. કિરણ દ્વારા આ કોલ કરવામાં આવ્યો હતો. તેમણે ઘોડાસરમાં રસીકપાર્ક સોસાયટીમાં રહેતા વિલાસબેન પટેલના નિધન અંગે જાણ કરી અને તેમના પુત્ર હર્ષદભાઈની સંમતિથી સ્કિન ડોનેશન માટે વિનંતી કરી હતી.
સિવિલ હોસ્પિટલની સ્કિન બેંકની ટીમ તાત્કાલિક દાતાના ઘરે પહોંચી અને બરડાના ભાગેથી ત્વચા મેળવી. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સ્કિન બેંક શરૂ થયા બાદ આ ૧૨મું સ્કિન દાન છે, અને ઘરેથી મેળવવામાં આવેલું આ છઠ્ઠું સ્કિન દાન છે, તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ડૉ. રાકેશ જોષીએ અંગદાન અને નેત્રદાનની સાથે સાથે વધુમાં વધુ સ્કિન દાન થાય તે ખૂબ જ જરૂરી હોવાનું જણાવ્યું હતું. જ્યારે ડૉ. જયેશ સચદેએ દાઝેલા દર્દીઓની સારવારમાં દાનમાં મળેલી ચામડી ટ્રાન્સપ્લાન્ટ કરવાથી ખૂબ જ સારા પરિણામો મળતા હોવાનું ઉમેર્યું હતું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલે રોટરી ક્લબ અમદાવાદ સાથે એમ.ઓ.યુ. કરીને સ્કિન બેંક કાર્યરત કરી છે. આ બેંકમાં ડોનેશનમાં મળતી સ્કિન ઉપરાંતની ત્વચાને પ્રિઝર્વ કરીને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવાના પ્રયાસો કરવામાં આવે છે. સ્કિન દાન કરવા ઇચ્છુક લોકો સિવિલ હોસ્પિટલ, અમદાવાદ સ્કિન બેંકના હેલ્પલાઇન નંબર ૯૪૨૮૨૬૫૮૭૫ પર સંપર્ક કરી શકે છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
