તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ ‘આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ’નો કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે શુભારંભ
નવીન પોર્ટલ હવે વધુ સુવિધાયુક્ત, સરળ અને પારદર્શી બન્યું : કૃષિ વિભાગના ૯૫ ઘટકો માટે ૧૫ મે સુધી અરજીઓ મંગાવાઈ : વર્ષ ૨૦૧૪થી ૪૧ લાખથી વધુ ખેડૂતોને ₹૭,૬૭૦ કરોડથી વધુના લાભો મળ્યા

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલા મહત્વપૂર્ણ ‘આઈ-ખેડૂત પોર્ટલ’ને હવે નવીન ટેકનોલોજીના સહારે વધુ અદ્યતન અને સુવિધાયુક્ત બનાવવામાં આવ્યું છે. કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ગુરુવારે ગાંધીનગર ખાતેથી આ નવીન ‘આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ’નો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારના નાગરિકોને સરળતાથી સરકારી સેવાઓ અને યોજનાકીય લાભો મહત્તમ રીતે મળી રહે તે જ સુશાસન છે. વર્ષ ૨૦૧૪માં શરૂ થયેલું ‘આઈ-ખેડૂત પોર્ટલ’ સુદ્રઢ સુશાસનિક વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ટેકનોલોજીના કાર્યક્ષમ ઉપયોગથી ખેડૂતોને સંપૂર્ણ પારદર્શિતા, સરળતા અને ઝડપથી વિવિધ કૃષિલક્ષી યોજનાઓના લાભ મળી રહ્યા છે.
મંત્રી પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આઈ-ખેડૂત પોર્ટલ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં ૪૧ લાખથી વધુ ખેડૂતોએ કુલ ₹૭,૬૭૦ કરોડથી વધુના યોજનાકીય લાભો આ પોર્ટલ મારફત મેળવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ હવે ખેડૂતો અને સરકાર વચ્ચે એક મહત્વપૂર્ણ સેતુ બની ગયું છે. ખેડૂતોની માંગ અને સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવીન ટેકનોલોજી આધારિત ‘આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ’ વિકસાવવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૨૫-૨૬ માટે કૃષિ વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો આજ તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫ થી આગામી તા. ૧૫ મે, ૨૦૨૫ સુધી, એમ કુલ ૨૨ દિવસ માટે આ નવીન પોર્ટલ પર અરજી કરી શકશે. હાલમાં ખેતીવાડી વિભાગના ૪૫ ઘટક અને બાગાયત વિભાગના ૫૦ ઘટક માટે અરજીઓ મંગાવવામાં આવશે. પશુપાલન વિભાગ માટે પણ આ પોર્ટલ ટૂંક સમયમાં ખુલ્લું મૂકવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું હતું કે, નવીન આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ શરૂ થવાથી કૃષિ વિભાગની યોજનાઓમાં વધુ પારદર્શિતા આવશે. ખેડૂતોને વધુ સુવિધાયુક્ત સેવાઓ મળે અને નાના-નાના કામો માટે ધક્કા ન ખાવા પડે તે માટે પોર્ટલમાં અનેક સુધારાઓ કરવામાં આવ્યા છે. વધુમાં વધુ ખેડૂતોને યોજનાકીય સહાય મળે તે માટે હવેથી અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા-તાલુકા કક્ષાએથી ડ્રો કરીને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે અને પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
આ શુભારંભ પ્રસંગે ખેતી નિયામક પ્રકાશ રબારીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલની વિસ્તૃત માહિતી આપી હતી. બાગાયત નિયામક એચ. કે. ચાવડા અને કૃષિ તેમજ બાગાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વર્ચ્યુઅલ માધ્યમથી ખેતી, બાગાયત અને પશુપાલન કચેરીના અધિકારી-કર્મચારીઓ, ગ્રામસેવકો અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
