તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
સ્પા સંચાલક પાસે 1.30 લાખનો તોડ કર્યો :પોલીસ કર્મીએ લાખોની મિલ્કત વસાવી :રાણીપમાં ગુન્હો દાખલ :રિમાન્ડ મેળવવા તજવીજ
સ્પા સંચાલક પાસે 1.30 લાખનો તોડ કર્યો હોવાનાં અહેવાલો પ્રસિધ્ધ થયા બાદ તપાસમાં અપ્રમાણસરની મિલ્કત હોવાનું બહાર આવ્યું

અમદાવાદનાં એન્ટી હ્યુમન ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ સ્પામાં તોડ કર્યો, જે અંગે અહેવાલો પ્રસિધ્ધ થતા તપાસ કરવામાં આવી અને તપાસના અંતે જે ખુલાસા થયા તેને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અને એમાં પણ ખાસ કરીને એસપી રીંગ રોડ જઈએ તો ચારે તરફ સ્પા નજરે પડે છે, જેમાં અનેક સ્પામાં મસાજના નામે માત્રને માત્ર દેહવેપાર ચલાવવામાં આવે છે, તેવામાં ગત ઓક્ટોબર 2024માં અમદાવાદની કે કંપનીના એક પોલીસકર્મીએ સ્પા સંચાલક પાસે 1.30 લાખનો તોડ કર્યો હોવાનાં અહેવાલો પ્રસિધ્ધ થયા હતા, જે અંગે પોલીસ કમિશનર જી.એસ મલિકને જાણ થતા તેઓએ એસીપી ડી.વી રાણાને તપાસ સોંપી હતી, પ્રાથમિક તપાસમાં સ્પામાં તોડ કરનાર પોલીસકર્મી કે કંપનીમાં ફરજ બતાવતો વિજય જયરામભાઈ માલી હોવાનું સામે આવ્યું હતું, તેમજ તે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં અગાઉ નોકરી કરતો હોવાની હકિકત ધ્યાને આવી અને વધુ ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી.
સ્પામાં તોડ કરનાર પોલીસકર્મીનું નામ સામે આવતા જ પોલીસ કમિશનર દ્વારા તેની બદલી કરવા માટે ડીજીપીને પત્ર લખવામાં આવ્યો અને પોલીસ વડાએ તેની બદલી દેવભૂમિ દ્વારકામાં કરી હતી. જે તપાસમાં સામે આવ્યું કે હેડ કોન્સ્ટેબલ વિજય માલીએ છેલ્લાં 20 વર્ષની નોકરીમાં અનેક અપ્રામણસર મિલ્કતો વસાવી છે, જેથી પુરાવાઓ એકત્ર કરતા પોલીસને જાણવા મળ્યું કે વિજય માલીના પોતાના નામે સુભાષબ્રિજ સરળ એપાર્ટમેન્ટમાં ફ્લેટ, પત્નીના નામે તેણે વર્ષ 2008માં ગોધરામાં ખાનગી પ્લોટ રોકડેથી ખરીદ્યો, પત્નીના નામે મહારાષ્ટ્રમાં 2017માં 3 વીઘા ખેતીની જમીન રોકડેથી ખરીદી, પોતાના અને પત્નીના સંયુક્ત નામે 2024માં મહારાષ્ટ્રનાં ધુલેમાં વાલવાડીમાં મકાન ખરીદ્યું, પોતાના નામે વર્ષ 2013 અને 2019માં કાર, 2016 અને 2021 માં ટુ વ્હીલર ખરીદ્યા, પોતાના અને પત્નીના નામે સંયુક્ત રીતે બેંકમાં અને પોસ્ટ ઓફિસમાં 26 લાખની ફિક્સ ડિપોઝીટ મુકી છે. જેને લઈને રાણીપ પોલીસ સ્ટેશનમાં અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હેડ કોન્સ્ટેબલ વિજય માલીની છેલ્લાં 20 વર્ષની આવક એક કરોડ બે લાખ 65 હજાર રૂપિયા જેવી થાય છે, જોકે તેની સામે તેની ખરીદી સહિત કુલ 1 કરોડ 34 લાખ 28 હજાર જેટલુ તપાસમાં સામે આવ્યું છે, એટલે કે હેડ કોન્સ્ટેબલની આવક કરતા 23.55 ટકા વધુ એમ કુલ 31.6 લાખની મિલ્કત આવક કરતા વધુ વસાવી હોવાથી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. વિજય માલી વર્ષ 1999માં પોલીસ ખાતામાં જોડાયો હતો, તેવામાં પોલીસે તેની વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
