<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

જનસેવા પ્રકલ્પ 'સ્વાગત'ના 22 વર્ષ પૂર્ણ : પ્રજાલક્ષી શાસન માટે વડાપ્રધાન મોદીની પહેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'સ્વાગત'ને પારદર્શક અને મુશ્કેલીમુક્ત નિવારણનું માધ્યમ ગણાવ્યું : 50% પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2003માં શરૂ કરાવેલા જનફરિયાદ નિવારણના ટેકનોલોજીયુક્ત અભિગમ "સ્વાગત" કાર્યક્રમની સફળતાના આજે 22 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસનની સાચી દિશા અપનાવી અને સૌને એ માટે પ્રેરિત કર્યા છે. તેમણે શરૂ કરાવેલો આ સ્વાગત પ્રકલ્પ આજે લોકોના જીવનમાં પરિવર્તનકારી અસર લાવીને પેપરલેસ, પારદર્શક અને મુશ્કેલીમુક્ત રીતે સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું અસરકારક માધ્યમ બન્યો છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, "સામાન્ય માનવી, ગરીબ વંચિત, ગ્રામીણ નાગરિકની રજૂઆતો, ફરિયાદોના નિવારણના સુગ્રથિત આયોજન માટેના સફળ પ્રયાસોના પરિણામે 'સ્વાગત'ની રાજ્યને ભેટ મળી છે. દેશમાં જ્યારે ઓનલાઈન ફરિયાદ નિવારણ માટે ટેકનોલોજીના ઉપયોગની વાતો થતી હતી, ત્યારે તેમણે 2003માં 24મી એપ્રિલના રોજ આ સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો."
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીના અસરકારક ઉપયોગથી નાગરિકો અને સરકાર વચ્ચે સેતુ સાધવાના મુખ્ય હેતુ સાથે સ્વાગત કાર્યક્રમ શરૂ થયો હતો. આ કાર્યક્રમ નાગરિકોની રોજિંદી ફરિયાદોનો ઝડપી, કાર્યક્ષમ અને સમયબદ્ધ રીતે ઉકેલ લાવવાનું ઉત્તમ માધ્યમ બન્યો છે.
એપ્રિલ 2025ના ચોથા ગુરુવારે યોજાયેલા રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીએ ઉપસ્થિત અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે જણાવ્યું હતું કે, "રાજ્યભરમાં યોજાતા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો પોતાના વ્યક્તિગત પ્રશ્નોની સાથે જાહેરહિતના પ્રશ્નોને વાચા આપી રહ્યાં છે, એ સુશાસનની જ ખરી દિશા છે." મુખ્યમંત્રીએ શિક્ષણ, ખેડૂતોના પ્રશ્નો, જમીન રેકર્ડ વિસંગતતા અને જમીન સંપાદન વળતર જેવી અરજદારોની રજૂઆતો સાંભળીને સંબંધિત તંત્રવાહકોને પ્રશ્નોના નિવારણ માટે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવા દિશાનિર્દેશો આપ્યા હતા.
રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોએ સવારે 8:00 થી 11:00 દરમિયાન પોતાની રજૂઆતો રજૂ કરી હતી. સ્વાગત પહેલમાં સમયાંતરે નવા આયામો ઉમેરાતા રહ્યા છે. ગત સુશાસન દિવસે ઉમેરાયેલી ઓટો એસ્કલેશન સિસ્ટમ વધુ નાગરિકલક્ષી અભિગમ સાથે કાર્યરત કરવામાં આવી છે. નાના માનવીની રજૂઆતો-સમસ્યાના ઉકેલ માટે શરૂ કરેલી ટેકનોલોજી આધારિત વ્યવસ્થાને વૈશ્વિક સ્તરે પણ પ્રતિષ્ઠા મળી છે. યુનાઈટેડ નેશન્સનો પબ્લિક સર્વિસનો ઈન્ટરનેશનલ એવોર્ડ અને ભારત સરકારનો નેશનલ એવોર્ડ સહિતના ગૌરવ સન્માન સ્વાગતને પ્રાપ્ત થયા છે.
રાજ્યભરમાં તમામ સ્તરે યોજાયેલા એપ્રિલ 2025ના સ્વાગતમાં 3700થી વધુ અરજીઓ મળી હતી, જેમાંથી 50 ટકા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું છે. રાજ્યકક્ષાના આ સ્વાગત કાર્યક્રમમાં 180 જેટલા અરજદારોની રજૂઆતોને મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યાલય દ્વારા સાંભળીને યોગ્ય નિરાકરણ માટે કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ સ્વાગત કાર્યક્રમો યોજાયા હતા, જેમાં નાગરિકોની રજૂઆતો સાંભળીને તેના નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

(8:19 PM IST)