<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

કેનેડામાં સ્થાઈ થઈને પૈસા કમાવાની હોડમાં આણંદના યુવકે ફ્રેન્ચ પાસપોર્ટ કઢાવ્યો: જેલવાસ ભોગવો પડ્યો

ઝડપથી કેનેડા પહોંચવા બનાવ્યો બનાવટી ફ્રેન્ચ પાસપોર્ટ : આણંદના કરમસદમાં રહેતા આ યુવકને અમદાવાદ એરપોર્ટ પરથી ઈમીગ્રેશન વિભાગે ધરપકડ કરી

અમદાવાદ :કેનેડામાં સ્થાઈ થઈને પૈસા કમાવાની હોડમાં એક યુવકે એવો ગુનો કરી નાખ્યો કે હવે તેને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઇમિગ્રેશન વિભાગે બોગસ પાસપોર્ટ સાથે આણંદના યુવકની ધરપકડ કરી, તેની પૂછપરછ કરતા તેણે મહારાષ્ટ્રના બે એજન્ટો પાસેથી ફ્રેન્ચ પાસપોર્ટ કઢાવ્યો હોવાની હકીકત સામે આવી છે.

જેવીન સંજયભાઈ પટેલ નામનાં આણંદના કરમસદમાં રહેતા આ યુવકને અમદાવાદ એરપોર્ટ પરથી ઈમીગ્રેશન વિભાગે ધરપકડ કરી છે. આ યુવક અમદાવાદથી દોહા થઈને કેનેડા જવાનો હતો. જોકે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમિગ્રેશન પાસે પહોંચતા ઈમિગ્રેશન અધિકારીઓએ તેનો પાસપોર્ટ તપાસ કરતા તે ભારતીય હોય અને તેનું પાસપોર્ટ ફ્રેન્ચ હોવાનું જણાવતા તેની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી અને એનો ભાંડો ફૂટી ગયો હતો.

જેવીન પટેલની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે થોડાક સમય પહેલા તેણે આ ફ્રેન્ચ પાસપોર્ટ મુંબઈ મહારાષ્ટ્રના એજન્ટ મોહમ્મદભાઈ અને ઇરફાન ભાઈ નામના બે એજન્ટોને ત્રણ લાખ રૂપિયા આપી તેની પાસેથી બનાવ્યું હતું. જે પાસપોર્ટમાં અમદાવાદ એરપોર્ટના ઈમીગ્રેશનનો સિક્કો મારવામાં આવ્યો હતો, તેમજ ભારતીય ઈ વિઝાનો બનાવટી સિક્કો મારવામાં આવ્યો હતો. જેવીન પટેલ ટુરિસ્ટ વિઝાના આધારે કેનેડા મુસાફરી કરી રહ્યો હતો, પરંતુ તેને અમદાવાદ એરપોર્ટ પરથી જ પકડી તેની સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બનાવટી પાસપોર્ટ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ SOG એ શરૂ કરી છે.

આરોપીની વધુ તપાસમાં સામે આવ્યું કે જેવીન સંજયભાઈ પટેલને કોઈપણ સંજોગોમાં કેનેડા જવાની ઘેલછા હતી અને તેના કારણે જ તેણે ઝડપથી કેનેડા જઈ શકે તે માટે તે પોતે ભારતીય હોવા છતાં ભારતીય પાસપોર્ટ ન કઢાવી એજન્ટોની વાતોમાં આવીને ફ્રેંચ પાસપોર્ટ કઢાવ્યો હતો. જેમાં તે અગાઉ અન્ય દેશોમાં જઈ આવ્યો હોય તે પ્રકારના બોગસ સિક્કા લગાવી કેનેડા પહોંચવાની ફિરાકમાં હતો. તેવામાં હવે એસોજીએ આ બંને એજન્ટો મહારાષ્ટ્રના હોય તેઓને પકડવા માટે ટીમો કામે લગાડી છે, જેઓના પકડાયા બાદ આ રીતે અન્ય કેટલા બોગસ પાસપોર્ટ બનાવડાવ્યા છે તે અંગેનો ખુલાસો થશે.

 


 

(8:24 PM IST)