<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ : વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી : મુખ્યમંત્રીના હસ્તે 27.22 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ

આતંકવાદ સામે લડવા દેશ મક્કમ - વડાપ્રધાન : ગ્રામીણ વિકાસને સુવર્ણકાળ બનાવવા મુખ્યમંત્રીનો ભાવભીનો અનુરોધ : મહેસાણા જિલ્લાના આખજ ખાતે યોજાયો રાજ્યકક્ષાનો કાર્યક્રમ - જમ્મુ-કાશ્મીરના શહીદોને શ્રદ્ધાંજલિ

મહેસાણા: મહેસાણા જિલ્લાના આખજ ગામે ગુરુવારે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી આપીને પંચાયતી રાજ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ગ્રામજનોને સંબોધિત કર્યા હતા. કાર્યક્રમની અધ્યક્ષતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના વરદ હસ્તે રાજ્યની વિવિધ જિલ્લાઓની ગ્રામ પંચાયતોમાં કુલ રૂપિયા 27.22 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 172 જેટલા વિકાસલક્ષી કાર્યોનું ઈ-લોકાર્પણ તેમજ નવા વિકાસ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ભાવુક વાતાવરણમાં થઈ હતી. તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ દેશવાસીઓની યાદમાં બે મિનિટનું મૌન પાળીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત તમામ લોકોએ ઊભા રહીને મૃતકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
ત્યારબાદ, ઉપસ્થિત સૌએ મધુબની, બિહાર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના સંબોધનમાં છેલ્લા એક દાયકામાં પંચાયતી રાજ સંસ્થાઓને સશક્ત બનાવવા માટે લેવાયેલા વિવિધ પગલાંઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં બે લાખથી વધુ ગ્રામ પંચાયતો ઇન્ટરનેટથી જોડાઈ છે અને ટેકનોલોજીએ પંચાયતોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગામડાઓમાં 5.5 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર્સની સ્થાપના અને પંચાયતોના ડિજિટલાઇઝેશનથી મળતા લાભો જેવા કે જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો તેમજ જમીન રેકોર્ડ સરળતાથી ઉપલબ્ધ થવાની વાત કરી હતી. તેમણે દેશને આઝાદીના દાયકાઓ બાદ મળેલા નવા સંસદ ભવનની સાથે દેશભરમાં 30,000 નવા પંચાયત ભવનોના નિર્માણનો પણ ઉલ્લેખ કર્યો હતો. પંચાયતો માટે પર્યાપ્ત ભંડોળ સુનિશ્ચિત કરવાની સરકારની પ્રાથમિકતા હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું અને છેલ્લા દાયકામાં પંચાયતોને મળેલા બે લાખ કરોડ રૂપિયાથી વધુના ભંડોળનો ઉપયોગ ગ્રામ વિકાસ માટે થયો હોવાનું ઉમેર્યું હતું. જમીન વિવાદોના નિરાકરણ માટે જમીન રેકોર્ડના ડિજિટાઇઝેશનના મહત્વ પર પણ તેમણે પ્રકાશ પાડ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પંચાયતોએ સામાજિક ભાગીદારીને મજબૂત બનાવી હોવાનું જણાવી બિહારમાં પંચાયતોમાં મહિલાઓને 50 ટકા અનામત આપવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપતા કાયદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મહિલાઓની આવક વધારવા અને રોજગારીની નવી તકો ઊભી કરવા સરકાર મિશન મોડમાં કામ કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું અને બિહારના 'જીવિકા દીદી' કાર્યક્રમની સફળતાની વાત કરી હતી. ગ્રામીણ અર્થતંત્રને મળેલી નવી ગતિ અને ગામડાઓમાં ગરીબો માટે ઘર, રસ્તા, ગેસ કનેક્શન, પાણી કનેક્શન અને શૌચાલયના નિર્માણથી થયેલા ફાયદાઓ વિશે પણ તેમણે વિસ્તૃત વાત કરી હતી. તેમણે આગામી વર્ષોમાં ગરીબોને ત્રણ કરોડ વધુ પાકા મકાનો આપવાની જાહેરાત પણ કરી હતી. માળખાગત વિકાસ પર ભાર મૂકતા તેમણે ગામડાઓમાં નળ દ્વારા પાણી, વીજળી અને ગેસ કનેક્શન પહોંચાડવાની સરકારની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. આરોગ્ય સેવાઓમાં થયેલી પ્રગતિ અને દેશભરમાં સ્થપાઈ રહેલા આયુષ્માન આરોગ્ય મંદિરો અને જન ઔષધિ કેન્દ્રો વિશે પણ તેમણે માહિતી આપી હતી. રેલવે, રોડ અને એરપોર્ટ જેવા માળખાકીય સુવિધાઓ દ્વારા કનેક્ટિવિટી વધારવાના સરકારના પ્રયાસો અને પટનામાં ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટ્સ વિશે પણ તેમણે વાત કરી હતી. તેમણે પટના અને જયનગર વચ્ચે 'નમો ભારત રેપિડ રેલ' સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવ્યા હતા અને બિહારમાં પૂરની સમસ્યાના નિરાકરણ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે જણાવ્યું હતું. મિથિલાના મખાનાને મળેલી વૈશ્વિક ઓળખ અને તેને મળેલા જીઆઈ ટેગ વિશે પણ તેમણે વાત કરી હતી. બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટની સ્થાપનાથી ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને મળનારા પ્રોત્સાહન વિશે પણ તેમણે માહિતી આપી હતી.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર ઊંડું દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે સમગ્ર દેશ શોકગ્રસ્ત પરિવારો સાથે ઊભો છે. તેમણે આ હુમલાના ગુનેગારોને સખત સજા આપવાની અને આતંકવાદના બાકી રહેલા ગઢોને નાબૂદ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "140 કરોડ ભારતીયોની ઇચ્છાશક્તિ હવે આતંકના અપરાધીઓની કરોડરજ્જુને તોડી નાખશે. આતંકવાદથી ભારતનો જુસ્સો ક્યારેય તૂટશે નહીં અને આતંકવાદ ક્યારેય સજા મેળવ્યા વિના રહેશે નહીં. ન્યાય સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે અને સમગ્ર રાષ્ટ્ર આતંકવાદ સામેના આ સંકલ્પમાં મક્કમ છે." તેમણે આ મુશ્કેલ સમયમાં ભારતને ટેકો આપનારા તમામ દેશોના લોકો અને નેતાઓનો આભાર માન્યો હતો. તેમણે ઝડપી વિકાસ માટે શાંતિ અને સુરક્ષાને સૌથી મહત્વપૂર્ણ પૂર્વશરત ગણાવી હતી.
આ પ્રસંગે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પ્રયત્નશીલ રહ્યા છે અને રાજ્ય સરકાર પણ ગ્રામ્ય સ્તર સુધી વિકાસ પહોંચાડવા માટે સતત કાર્યરત છે. તેમણે વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા સૌને સક્રિય અને સહભાગી થવા આહ્વાન કર્યું હતું અને વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા નવ સંકલ્પો પર ભાર મૂક્યો હતો. તેમણે પંચાયતી રાજ વ્યવસ્થાના અસરકારક અમલથી અમૃતકાળને પંચાયતી રાજ વિકાસનો સુવર્ણકાળ બનાવવા પર ભાર મૂક્યો હતો.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામડાઓને સમૃદ્ધ અને મજબૂત બનાવવા માટે સૌએ સરકારને સહયોગ આપવો જોઈએ. તેમણે ગ્રામ્ય સ્તરે વિવિધ યોજનાઓના લાભો પહોંચાડવા માટે ઈ-ગ્રામ પહેલની વાત કરી હતી અને ગ્રામ વિકાસની આગેવાની સરપંચોએ લેવાની વાત કરી હતી. પંચાયત મંત્રી બચુભાઈ ખાબડે પંચાયતી રાજ દિવસને ગામડાની લોકશાહી અને જનતાના સશક્તિકરણનો દિવસ ગણાવ્યો હતો. તેમણે ગુજરાતની ગ્રામ પંચાયતો દેશભરમાં મોડેલરૂપ બની હોવાનું જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબહેન પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, મયંકભાઈ નાયક, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, સુખાજી ઠાકોર, કે.કે. પટેલ, સરદારભાઈ ચૌધરી, ડો. સી.જે. ચાવડા, અગ્રણી ગિરીશભાઈ રાજગોર, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પટેલ, પંચાયત વિભાગ સચિવ મનીષા ચંદ્રા, વિકાસ કમિશનર એચ.કે. કોયા, અધિક વિકાસ કમિશનર ગૌરવ દહીંયા, જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડો. હસરત જૈસમીન અને મોટી સંખ્યામાં પંચાયતી રાજના પ્રતિનિધિઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

(9:26 PM IST)