<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ગુજરાતમાં 22 જૂન પછી ચોમાસાનું આગમન:ભાદરવા મહિનામાં વરસાદ ભરપૂર થશે : પરેશ ગોસ્વામીની આગાહી

મે મહિનામાં બે થી ત્રણ વખત પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે : 21 થી 31 જુલાઈના 10 દિવસના સેશન દરમિયાન સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે

અમદાવાદ : અગાઉ ખાનગી એજન્સી સ્કાયમેટ દ્વારા આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી હતી. જે બાદ હવે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીથી લઈને ચોમાસાના ચાર મહિના દરમિયાન કેવો વરસાદ રહેશે, તેને લઈને આગોતરો વરતારો વ્યક્ત કર્યો છે.

પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, મે મહિનામાં બે થી ત્રણ વખત પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. જેમાં ખાસ કરીને 14 થી 18મી મે વચ્ચેના ચાર દિવસનો સમય પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રથમ તબક્કો હશે. જે બાદ 25મી મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થાય, ત્યારે પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો બીજો તબક્કો આવતો હોય છે. જેમાં સાર્વત્રિક નહીં, પરંતુ કેટલાક ભાગોની અંદર છૂટોછવાયો વરસાદ રહેતો હોય છે.

જુલાઈ મહિનાના પહેલા 10 દિવસ દિવસની અંદર રાજ્યના અલગ-અલગ ભાગોમાં 5 થી 12 ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે, જે એવરેજ ગણાય છે. જે બાદ 11 થી 20 જુલાઈના સમયગાળા દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે. જો કે 21 થી 31 જુલાઈના 10 દિવસના સેશન દરમિયાન સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે. આ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિ જેવો પણ માલોહ સર્જાશે. આમ જુલાઈ મહિનો પૂરો થશે, ત્યાં સુધીમાં ગુજરાતના લગભગ 50 થી 70 ટકા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ પડી જાય તેવી શક્યતા છે.

જો ઓગસ્ટની વાત કરીએ તો, આ મહિનાના પહેલા અઠવાડિયામાં પણ એકંદરે ગુજરાતમાં સારો એવો વરસાદ રહેશે. જો કે તે પછી 8 થી 17 ઓગસ્ટ દરમિયાન વરસાદ વિરામ લેશે. આમ ઓગસ્ટ મહિનામાં વરસાદનો ગેપ રહે તે કૃષિ પાકો માટે ફાયદેમંદ માનવામાં આવે છે. જો કે ઓગસ્ટ મહિનાના છેલ્લા સેશન એટલે કે 21 થી 31 ઓગસ્ટ દરમિયાન ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થસે. જેમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે, તો કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતના રાજ્યોમાં અતિ વરસાદ પડી શકે છે.

છેલ્લા 5-7 વર્ષની પેટર્ન જોઈએ તો, વેધર સાયકલમાં જે પરિવર્તન આવ્યું છે, તે પ્રમાણે પાછોતરો વરસાદ વધારે પડે છે. એટલે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સપ્ટેમ્બરમાં ખૂબ વરસાદ પડવાનો છે. જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં જેમ સારો વરસાદ પડ્યો, તેના કરતાં પણ સપ્ટેમ્બર અર્થાત ભાદરવા મહિનામાં ભરપુર વરસાદ પડવાનો છે.

સપ્ટેમ્બર મહિનાના 30 દિવસ પૈકી 8 થી 9 દિવસ વરસાદ નહીં પડે, પરંતુ બાકીના 20 થી 21 દિવસ સુધી સારો એવો વરસાદ પડશે.ખાસ વાત એ છે કે, આ 8-9 દિવસ વરસાદ એકધારો વિરામ નહીં લે.

આમ સપ્ટેમ્બર મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભૂક્કા કાઢે તેવા વરસાદની શક્યતા રહેલી છે. આ સિવાય ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ આ મહિનામાં સારો એવો વરસાદ પડશે.

જો ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો, છેલ્લા બે-ચાર વર્ષથી આ મહિનામાં જે વરસાદો પડી રહ્યા છે, તેનાથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. ઓક્ટોબર મહિનામાં વરસાદ પડવાથી પાક નિષ્ફળ જતો હોય છે. આ વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં ચોક્કસથી વરસાદ જોવા મળશે.

જેમાં ઓક્ટોબર મહિનાની 1 થી 17 તારીખ સુધી ચોમાસું ચાલવાનું છે. એટલે આ દરમિયાન છૂટાછવાયા ભાગોની અંદર બપોર પછીના સમયમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે.

(11:21 PM IST)