<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

અલ્ટિમેટમ બાદ જો કોઈ પાકિસ્તાની ગુજરાતમાં રોકાશે તો જે કરવાનું થતું હશે એ કરીશું એમાં કાઈ કહેવાનું ન હોય : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

ભારત સરકારના નિર્ણયનું પાલન કરવું એ રાજ્ય સરકારની જવાબદારી છે તમામ જિલ્લાના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે

ગાંધીનગર તા.૨૫ :  જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે ગત 22 એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા અંધાધુંધ ગોળીબાર કરી હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહીત 28 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા. અને ત્યાર બાદ ભારત સરકાર દ્વારા દેશમાં આવેલ પાકિસ્તાનીઓને દેશ છોડવાની સૂચના અપાઈ જે અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં વસતા પાકિસ્તાનીઓ મામલે જાણાવ્યું હતું કે, ભારત સરકારના નિર્ણયનું પાલન કરવું એ રાજ્ય સરકારની જવાબદારી છે. તમામ જિલ્લાના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. અને પાકિસ્તાની પીડિતોને કોઈ જાતની હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે. જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તેમની એસઓજી અને લોકલ પોલીસ કામગીરી કરી રહી છે. અલ્ટિમેટમ બાદ જો કોઈ પાકિસ્તાની અહીં રોકાશે તો જે કરવાનું થતું હશે એ કરીશું એમાં કાઈ કહેવાનું ન હોય.

વડોદરા શહેર પોલીસ પણ પાકિસ્તાની મહિલા પર ચાપતી નજર રાખી રહી છે. ભારત સરકારના નિર્ણય બાદ વડોદરા શહેર જિલ્લામાં 11 પાકિસ્તાની નાગરિક વસવાટ કરતાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં રહેતી પાકિસ્તાની મહિલા પણ આગામી ત્રણ દિવસમાં પરત પાકિસ્તાન જવું પડશે.

(3:26 PM IST)