<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ગુજરાતનું સુદ્રઢ પશુ આરોગ્ય માળખું દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિનો આધારસ્તંભ બન્યું : રાજ્યમાં ૫૮૭ ફરતા પશુ દવાખાના અને ૪,૨૭૬ ચિકિત્સકો ઉપલબ્ધ : છેલ્લા બે દાયકામાં દૂધ ઉત્પાદનમાં ૧૧૮.૯૧ લાખ મેટ્રિક ટનનો અભૂતપૂર્વ વધારો

પશુઓને ઘર આંગણે સારવાર, ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ અને ચિકિત્સકોની ઉપલબ્ધતાથી પોણા ત્રણ કરોડ પશુધનને મળ્યું સુરક્ષા કવચ : એપ્રિલ માસનો છેલ્લો શનિવાર એટલે પશુ આરોગ્ય સેવાને બિરદાવવા માટેનો “વિશ્વ પશુ ચિકિત્સા દિવસ”

ગાંધીનગર: ભારત આજે દૂધ ઉત્પાદન અને ડેરી વિકાસ ક્ષેત્રે વિશ્વમાં પ્રથમ સ્થાને છે અને ગુજરાત રાજ્ય પણ દેશના કુલ દૂધ ઉત્પાદનમાં મહત્વપૂર્ણ યોગદાન આપીને અગ્રણી રાજ્યોમાંનું એક છે. દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ માટે સારી નસલના પશુઓ, તેમનું ઉત્તમ સ્વાસ્થ્ય અને સરકારની સુદ્રઢ પશુ આરોગ્ય સેવાઓ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આથી જ, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં પશુ સ્વાસ્થ્ય સેવાઓ વિકસાવવા પર ભાર મૂક્યો હતો, જેના પરિણામે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પશુઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહી છે.
રાજ્યમાં પશુધનની સંભાળ માટે કુલ ૯૨૯ જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાના, ૫૫૨ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો, ૪૬૦ ફરતા પશુ દવાખાના, ૧૨૭ કેન્દ્ર પુરુસ્કૃત ફરતા પશુ દવાખાના, ૩૪ વિવિધલક્ષી પશુ ચિકિત્સાલયો અને ૨૧ પશુ રોગ અન્વેષણ એકમો કાર્યરત છે. આ માળખા દ્વારા રાજ્યના પોણા ત્રણ કરોડ પશુધનને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહી છે, જેનાથી સરકારનો ‘દરેક જીવને અભયદાન’નો મંત્ર સાકાર થઈ રહ્યો છે.
પશુઓને સારવાર, રસીકરણ, કૃમિનાશક દવાઓ અને પ્રજનન, વ્યંધત્વ નિવારણ તેમજ પોષણ સંબંધિત માર્ગદર્શન માટે રાજ્યમાં ૪,૨૭૬ પશુ ચિકિત્સકો ઉપલબ્ધ છે, જેમાંથી ૬૫૦ સરકારી સેવામાં, ૯૫૦ ડેરી સંઘોમાં, ૫૦૦થી વધુ GVK-EMRIમાં, ૩૫૦ યુનિવર્સિટીઓમાં, ૮૦૦થી વધુ ખાનગી ક્ષેત્રે અને ૧,૦૦૦થી વધુ અન્ય ક્ષેત્રોમાં કાર્યરત છે.
પશુ આરોગ્ય ક્ષેત્રે પશુ ચિકિત્સકોના યોગદાનને બિરદાવવા માટે વર્ષ ૨૦૦૦થી દર વર્ષે એપ્રિલના છેલ્લા શનિવારે “વિશ્વ પશુ ચિકિત્સા દિવસ” ઉજવવામાં આવે છે. આવતીકાલે, ૨૬ એપ્રિલ, ૨૦૨૫ના રોજ "એનિમલ હેલ્થ ટેક્સ અ ટીમ"ની થીમ પર આ દિવસ ઉજવાશે, જે પશુઓના સ્વાસ્થ્ય માટે પશુપાલકો, નિષ્ણાતો, પોષણવિદો, આરોગ્ય કર્મચારીઓ અને સમુદાયના સહિયારા પ્રયાસોના મહત્વને પ્રકાશિત કરશે.
છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં વિકસેલા સુદ્રઢ પશુ આરોગ્ય માળખાને કારણે રાજ્યના દૂધ ઉત્પાદનમાં ૧૧૮.૯૧ લાખ મેટ્રિક ટનનો નોંધપાત્ર વધારો થયો છે અને ગુજરાત દૂધ ઉત્પાદનમાં દેશમાં ચોથા ક્રમે પહોંચ્યું છે. આ સમયગાળા દરમિયાન સરેરાશ ૯.૨૬ ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે અને રાજ્યમાં માથાદીઠ દૂધની ઉપલબ્ધતા ૩૩૩ ગ્રામ પ્રતિ દિવસથી વધીને ૭૦૦ ગ્રામ પ્રતિ દિવસ થઈ છે. દૂધ ઉત્પાદન અને ડેરી ઉદ્યોગમાં ગુજરાતને અગ્રણી રાજ્ય બનાવવા અને ભારતને વિશ્વમાં પ્રથમ સ્થાને પહોંચાડવામાં પશુપાલકોની મહેનતની સાથે પશુ ચિકિત્સકો અને સરકારના સુદ્રઢ માળખાનું યોગદાન અમૂલ્ય છે. આજનો વિશ્વ પશુ ચિકિત્સા દિવસ એ તમામ પશુ ચિકિત્સકો અને તેમની ટીમના નિઃસ્વાર્થ સેવાભાવને બિરદાવવાનો એક વિશેષ દિવસ છે.

 

(4:55 PM IST)