<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ગુજરાત સુપર લીગની બીજી સિઝનની જાહેરાત : 1લી મેથી અમદાવાદમાં ફૂટબોલનો જંગ જામશે : પરિમલભાઈ નથવાણીએ ટીમ માલિકોનું સન્માન કર્યું

અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે 1લી મેથી 13મી મે દરમિયાન યોજાશે રોમાંચક ફૂટબોલ લીગ : GSFA પ્રમુખ પરિમલભાઈ નથવાણી દ્વારા ટ્રોફી અને ટીમ જર્સીનું અનાવરણ : દર્શકોમાં ઉત્સાહ અને ખેલાડીઓમાં સ્પર્ધાત્મકતાનું ઊંચું સ્તર જોવા મળશે

અમદાવાદ: ગુજરાતમાં ફૂટબોલના વિકાસને વધુ વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA)એ અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે આગામી 1લી મેથી 13મી મે, 2025 દરમિયાન ગુજરાત સુપર લીગ (GSL)ની બીજી સિઝનના આયોજનની જાહેરાત કરી છે. આ ચેમ્પિયનશીપની પ્રથમ સિઝનની ભવ્ય સફળતા બાદ, GSFAને આ વર્ષની લીગમાં દર્શકોના વધુ ઉત્સાહ અને ખેલાડીઓ વચ્ચે વધુ તીવ્ર સ્પર્ધાની અપેક્ષા છે.
આજે યોજાયેલા એક સત્તાવાર કાર્યક્રમમાં GSFAના પ્રમુખ પરિમલ નથવાણીએ GSL સિઝન 2માં ભાગ લેનારી છ ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, પરિમલભાઈ નથવાણી દ્વારા સત્તાવાર GSL ટ્રોફી અને તમામ છ ટીમોની જર્સીનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.
GSL ટાઇટલ માટે આ છ ફ્રેન્ચાઇઝી ટીમો સ્પર્ધા કરશે: અમદાવાદ એવેન્જર્સ (સાહિલ પટેલ અને શાલિન પટેલ), ગાંધીનગર જાયન્ટ્સ (પ્રશાંત સંઘવી અને અનન્યા સંઘવી), કર્ણાવતી નાઈટ્સ (અદ્વૈતા પટેલ અને યશ શાહ), સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ (કુશલ પટેલ), સુરત સ્ટ્રાઇકર્સ (અલકેશ પટેલ) અને વડોદરા વોરિયર્સ (કમલેશ ગોહિલ).
ઉપસ્થિતોને સંબોધન કરતા પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું હતું કે ગુજરાત સુપર લીગ તેની બીજી સિઝનમાં પ્રવેશી રહી છે અને તેનો સાક્ષી બનવું તેમના માટે આનંદની વાત છે. તેમણે ગુજરાતમાં ફ્રેન્ચાઇઝ આધારિત ફૂટબોલના વિકાસ માટે પોતાની સમર્પણ ભાવના અને રોકાણ જાળવી રાખવા બદલ તમામ ટીમ માલિકોનો આભાર માન્યો હતો. વધુમાં, તેમણે ખેલાડીઓ, કોચ, પ્રાયોજકો, સહયોગીઓ અને મીડિયા સહિત તમામ હિતધારકોના મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવ્યું હતું, જેમના સહયોગ વિના GSLની પ્રથમ સિઝન સફળ થઈ શકી ન હોત. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ફૂટબોલની રમત તેની લોકપ્રિયતા અને વિકાસના એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહી છે.
GSFAના માનદ સચિવ મૂળરાજસિંહ ચૂડાસમાએ GSLની બીજી સિઝનમાં તેની મેચોને મજબૂત પ્રતિસાદ મળવાની આશા વ્યક્ત કરી હતી અને લીગના ભાવિ વિસ્તરણ અને કદમાં વૃદ્ધિ માટે પોતાની મહેચ્છાઓ વ્યક્ત કરી હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) અને ગુજરાત ટૂરિઝમ તરફથી પણ GSFAને સતત મજબૂત સમર્થન મળી રહ્યું છે.
GSL સિઝન 2માં રાજ્યની બહારના એવા ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમણે અગાઉ I-લીગ અને સંતોષ ટ્રોફી જેવી ટોચની રાષ્ટ્રીય-સ્તરની ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે, જેના કારણે આ સિઝનમાં સ્પર્ધાત્મકતાનું વધુ ઊંચું સ્તર જોવા મળશે. GSLની સાથે દર્શકોના યુવા વર્ગને જોડવા અને તેની અપીલને વ્યાપક બનાવવા માટે GSFAએ 18 વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓને તેમના માતાપિતા સાથે નિઃશુલ્ક પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે.
ગુજરાત સુપર લીગ સિઝન 2ની ઉદ્દઘાટન મેચ આગામી 1 મે, 2025ના રોજ સાંજે 7:00 વાગ્યાથી ટ્રાન્સસ્ટેડિયા ખાતે શરૂ થશે. આ લીગ રાજ્યમાં ફૂટબોલના ચાહકો માટે એક રોમાંચક અનુભવ લઈને આવશે.

 

(5:07 PM IST)