તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
ખંભાત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : ૭ વર્ષની બાળકી પર રેપ અને હત્યાના આરોપીને ડબલ ફાંસીની સજા : પોક્સો એક્ટ અને હત્યાના ગુનામાં કડક સજા સંભળાવી
ગુજરાત સરકારની મહિલાઓ અને બાળકો પરના અત્યાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ વધુ મજબૂત : આરોપીને દોઢ મહિનામાં ચાર્જશીટ બાદ તાત્કાલિક સજા, ન્યાયતંત્ર અને પોલીસ તંત્રની કાર્યક્ષમતાનું પ્રતીક - ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ખંભાત: આણંદ જિલ્લાના ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન હેઠળના કાણીસા ગામમાં વર્ષ ૨૦૧૯માં ૭ વર્ષની નાની બાળકી પર રેપ અને હત્યાના જઘન્ય ગુનામાં ખંભાત સેશન્સ કોર્ટે આજે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે ૨૪ વર્ષીય આરોપી દડો ઉર્ફે અર્જુન અંબાલાલ ગોહેલને પોક્સો એક્ટ તેમજ હત્યાના ગુનામાં દોષી ઠેરવીને ડબલ ફાંસીની સજા સંભળાવી છે. આ ચુકાદો પીડિતા અને તેના પરિવારને ન્યાય અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે અને સમાજમાં આવા ભયાનક ગુનાઓ સામે કડક સંદેશ આપે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે મહિલાઓ અને બાળકો પર થતા અત્યાચાર, શોષણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. રાજ્ય સરકાર આવા ગુનેગારોને ટૂંકા સમયગાળામાં કડકમાં કડક સજા મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. આ ચુકાદો એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે ગુજરાતમાં આવા ગુનાઓને કોઈપણ રીતે સહન કરવામાં આવશે નહીં.
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે પણ ગુનો નોંધાયાના દોઢ મહિનામાં જ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી દીધી હતી, જેના પરિણામે કોર્ટમાં ઝડપી સુનાવણી થઈ શકી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કેસમાં પીડિતા અને તેના પરિવારને ન્યાય અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ન્યાયતંત્રનો પણ આભાર માન્યો છે, જેમણે આ ગંભીર ગુનામાં ઝડપી અને નિષ્પક્ષ પ્રક્રિયા દ્વારા ચુકાદો આપ્યો.
આ ચુકાદા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ ચુકાદો ગુજરાતના ન્યાયતંત્ર અને પોલીસ તંત્રની કાર્યક્ષમતા તેમજ રાજ્ય સરકારની ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. રાજ્ય સરકાર ભવિષ્યમાં પણ આવા જઘન્ય ગુનાઓ સામે કડક કાર્યવાહી કરતી રહેશે અને પીડિતોને ઝડપી ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
