<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

બાગાયત ખાતાની ૪૭ વિવિધ યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ આગામી ૩૧ મે સુધી ખુલ્લું

રાજ્યના ખેડૂતો ઘરઆંગણે વિવિધ બાગાયતી યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરી શકશે : કાચા-પાકા મંડપ, ફળપાક ઉત્પાદન વધારવા, ડ્રીપ ઇરીગેશન, પોલીહાઉસ સહિત અનેક ઘટકોમાં સહાય ઉપલબ્ધ

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેડૂતો બાગાયત ખાતાની આ યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે માટે નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ આગામી તા. ૩૧ મે, ૨૦૨૫ સુધી ખુલ્લું રહેશે.
રાજ્યના ખેડૂતો આ પોર્ટલ દ્વારા બાગાયત ખાતાના કુલ ૪૭ જેટલા વિવિધ ઘટકો માટે અરજી કરી શકશે. જેમાં મુખ્યત્વે કાચા મંડપ, અર્ધ પાકા મંડપ, પાકા મંડપ, વેલાવાળા શાકભાજીના પેડલ, આંબા તથા જામફળ જેવા ફળપાકોની ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, આંબા તથા લીંબુના જૂના બગીચાઓને નવસર્જન માટે સહાય, ઔષધિય અને સુગંધિત પાકોના વાવેતર માટે સહાય, કમલમ (ડ્રેગનફ્રૂટ)ના વાવેતર માટે સહાય યોજના, શાકભાજી પાકો માટે ક્રોપ કવર, કેળ અને પપૈયા પાક માટે ક્રોપ કવર/બેગ, દાડમ ક્રોપ કવર અને ખારેક બંચ કવર, આંબા, દાડમ, જામફળ, સીતાફળ અને કમલમ જેવા ફળપાકો માટે ફ્રુટ કવર જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ખેડૂતો ખેતર પર ગ્રેડીંગ, શોર્ટીંગ અને પેકીંગ એકમ ઊભા કરવા માટે સહાય, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય, કેળ અને પપૈયા જેવા ફળપાકોની ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, પોલીહાઉસ અને નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય, વિવિધ ફળપાકોના પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (સામાન્ય અને વનબંધુ યોજના), પ્લગ નર્સરી (વનબંધુ યોજના), બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, વેલાવાળા શાકભાજી પાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ, દેવીપૂજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય અને અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ) જેવી યોજનાઓનો લાભ પણ મેળવી શકશે. મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા (સ્ટાઇપેંડ)ની સુવિધા પણ ઉપલબ્ધ છે.
ખેડૂતો દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી, ફૂલ તથા છોડના નિકાસ માટે વાહનવ્યવહાર ખર્ચ, નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય, હવાઈ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટેના નૂરમાં સહાય, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, કાપણીના સાધનો, પ્રોસેસીંગના સાધનો, બાગાયત મૂલ્યવર્ધન એકમ ઊભા કરવા સહાય, બાગાયતી પાકના ક્લસ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત/ખાનગી સંસ્થા/ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO/FPC)/સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબત, ઔષધિય સુંગધિત પાકો માટે નવા ડીસ્ટીલેશન યુનિટ, બાગાયતી પાકના પ્રોસેસીંગના નવા યુનિટ માટે સહાય, મેઇન્ટેનન્સ અને ઓઇલપામમાં આંતરપાક માટે ઇનપુટસ ખર્ચ (હેક્ટર દીઠ), બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર, લણણીના સાધનો, કેળ (ટીસ્યુ), પપૈયા અને ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો વગેરે જેવા ઘટકોમાં સહાય મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ ઓનલાઇન અરજી કરી શકાશે.
અરજીમાં દર્શાવ્યા મુજબના જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ અરજી કન્ફર્મ કરવાની રહેશે અને તેની પ્રિન્ટ કાઢીને ખેડૂતોએ પોતાની પાસે રાખવાની રહેશે. મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરતી વખતે સહી કરીને જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લાના નાયબ/મદદનીશ બાગાયત નિયામકની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવાની રહેશે. ખેડૂતોને આ યોજનાઓનો લાભ લેવા માટે તાત્કાલિક આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર અરજી કરવા અનુરોધ કરવામાં આવે છે.

 

(6:02 PM IST)