<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

અમદાવાદમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમ સમાજના લોકોએ કાળીપટ્ટી બાંધી આતંકી હુમલાનો વિરોધ કર્યો

ઈમરાન ખેડાવાલાએ ભાવુંક થઈને જણાવ્યું કે, જ્યારે આવી આતંકવાદી હુમલાની ઘટના બનતી હોય છે, ત્યારે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનો મુસ્લિમ સમાજ દુ:ખી થાય છે.

અમદાવાદ :કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. દરેક ધર્મ અને જાતિના લોકો આતંકવાદીના હિચકારા હુમલાની આકરી ટીકા કરી રહ્યા છે અને સરકાર સમક્ષ આતંકવાદીઓના આકા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની માંગ કરવામાં આવી રહી છે. એવામાં આજે અમદાવાદ સ્થિત જામા મસ્જિદ ખાતે મુસ્લિમ સમાજના લોકોઓ હાથમાં કાળી પટ્ટી બાંધીને જુમ્માની નમાજ અદા કરી આતંકી હુમલાના મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

ખાડિયાના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ઈમરાન ખેડાવાલા તેમજ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ દ્વારા ગુજરાતના મુસ્લિમ સમાજ તેમજ તમામ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને જુમ્માની નમાઝમાં હાથ પર કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતુ.

આ તકે ઈમરાન ખેડાવાલાએ ભાવુંક થઈને જણાવ્યું કે, જ્યારે આવી આતંકવાદી હુમલાની ઘટના બનતી હોય છે, ત્યારે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનો મુસ્લિમ સમાજ દુ:ખી થાય છે. આજે અમે કાળી પટ્ટી પહેરીને વિરોધ દર્શાવ્યો છે. આતંકવાદીઓને કોઈ ધર્મ નથી હોતો. આજે મારી પાસે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા સિવાય કોઈ શબ્દ નથી.

મારી સરકારને વિનંતી છે કે, આતંકવાદ વિરુદ્ધ તાત્કાલિક એક્શન લેવી જોઈએ. ભારત માટે 30 મિનિટનો સમય પુરતો છે. ભારત પાસે એટલી શક્તિ છે કે, 30 મિનિટમાં પાકિસ્તાન અને આતંકવાદને નેસ્તનાબુદ કરી શકાય.

જ્યારે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ આતંકવાદી હુમલાની નિંદા કરતાં જણાવ્યું કે, પાકિસ્તાન આવી નાપાક હરકતો કરાવીને ભારતના મુસ્લિમોની જ છબીને ખરડાવવાનું કામ કરે છે. આજે અમે જામા મસ્જિદમાં દુઆ કરી છે કે, આપણા દેશમાં શાંતિ અને ભાઈચારો આપો. જે મોતને ભેટ્યા છે, તેમની આત્માને શાંતિ આપે અને પરિવારજનોને સાંત્વના આપે.

સમગ્ર દેશના 140 કરોડ પૈકી 25 કરોડનો મુસ્લિમ સમાજ રાષ્ટ્રવાદી હતો, છે અને મરતે દમ તક રહેવાનો છે. અમારી એક જ માંગ છે કે, આ દેશની સલામતી માટે પગલા લેવા હોય, પાકિસ્તાનને નેસ્ત નાબુદ કરવો હોય અને આતંકવાદનો ખાતમો કરવો હોય તો ગુજરાતના 70 લાખ મુસ્લિમો સરકારની સાથે છે.

(9:34 PM IST)