<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિકનો BSF વડા તરીકે અને અનુપમસિંહ ગેહલોતનો IB વડા તરીકેનો અનુભવ ઉપયોગી બન્‍યો

અમદાવાદમાં ૧ હજારથી વધારે ઘૂસણખોર અને સુરતમાં બાંગ્‍લાદેશના સંખ્‍યાબંધ ઘૂસણખોરો વિરુદ્ધના સર્જીકલ સ્‍ટ્રાઇક જેવા એકશનની ભીતરમા સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા વડોદરા સીપી નરસિંહમાં કુમાર અને ips અધિકારી તરીકે સિલ્‍વર જયુબેલી પૂર્ણ કરનાર રાજકોટ સીપી બ્રજેશ ઝા ટીમ પણ બાજ નજર રાખી રહી છે

રાજકોટ, તા.૨૬: કાશ્‍મીરના પહેલગાઉ નજીકની કરપીણ આતંકી ઘટનાઓના પગલે રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય તથા સેન્‍ટ્રલ IB ઇનપુટ આધારે ગુજરાતમાં દરિયા, સરહદ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી જેવા પ્રવાસ સ્‍થળો પર દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ સાથે દેવભૂમિ દ્વારકા અને સોમનાથ જેવા વિશ્વ પ્રસિદ્ધ તીર્થ સ્‍થાનો પર આતંકવાદીઓની મેલી મુરાદ બર ન આવે તે માટે રાજકોટ રેન્‍જ ig અશોક કુમાર યાદવ અને જૂનાગઢ રેન્‍જ વડા નિલેશ જાજડીયા, ભાવનગર રેન્‍જ વડા ગૌતમ પરમાર વિગેરે દ્વાર પ્રથમ દિવસથી જ લોખંડી સુરક્ષા વ્‍યવસ્‍થા અને પેટ્રોલિંગ સઘન બનાવેલ છે.

કાશ્‍મીર ખીણની ઘટના સંદર્ભે આતંકવાદીઓ શું શું અડપલા કરી શકે, એને તેમના સ્‍લિપર સેલ કોણ બની શકે તે અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક કે જેવો એક પ્રકારના લશ્‍કરી પાંખ જેવા ગુજરાત ફ્રન્‍ટીયરના બોર્ડર વડા રહી ચૂકયા હોવાથી એને કેન્‍દ્રીય એજન્‍સીઓની મહત્‍વની બેઠકો કરી ચૂકયા હોવાથી તેમણે તુર્ત અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સુઘલાના માર્ગદર્શનમાં ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણને ગેર કાયદે ઘૂસણખોરો વિરુદ્ધ અભિયાન ચલાવવા આદેશ આપતા ૧ હજાર જેટલા ઘૂસણખોર કરતા તત્‍વોને ઝડપી પાડવામાં આવ્‍યા છે. આ તમામે લોકોને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે એકઠા કરી પરોઢથી પૂછપરછ શરૂ કરવામાં આવેલ છે.

સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કે જેવો ગુપ્તચર વડા તરીકે બહોળો અનુભવ ધરાવે છે. સેન્‍ટ્રલ ib, રો,  CBI સાથેની મિટિંગમાં આતંકવાદીઓની મોડેસ ઓપરેન્‍ડી અંગે તેઓએ ખૂબ અભ્‍યાસ કર્યો છે. હાલમાં પણ સેન્‍ટ્રલ એજન્‍સીઓ સાથે તેમના કોન્‍ટેક્‍ટ છે. પરીણામે ગુજરાતમાં સાવચેતી પગલાંઓ પાછળ ગેરકાયદે ઘૂસણખોરોની ઓળખ મેળવવી જરૂરી હોવાથી આ ઓપરેશન હાથ ધરાયું છે.

વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કુમાર પણ સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા હોવાથી વડોદરામાં પણ આખી સ્‍ટ્રેટેજી ગોઠવાઈ છે. રાજકોટમા પણ ips તરીકે સિલ્‍વર જયુબેલી પૂર્ણ કરનાર પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા પણ ક્રાઇમ બ્રાંચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, સજ્જનસિંહ પરમાર અને ડીસીપી જગદીશ બાંગરવા સાથે બેઠક યોજી આખી રણનીતિ મુજબ કાર્યવાહી ચાલી રહી છે

(2:46 PM IST)