<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

ગુજરાત પોલીસના ‘SHASTRA’ પ્રોજેક્ટની અસરકારક કામગીરી : સવા બે મહિનામાં 5500થી વધુ ગુના નોંધાયા

શરીર સંબંધી ગુનાઓ પર અંકુશ લાવવા ‘Evening Policing’ પર વિશેષ ભાર : દારૂ, જુગાર અને નશામાં વાહન ચલાવવાના સૌથી વધુ કેસ

અમદાવાદ: ગુજરાત પોલીસે રાજ્યમાં શરીર સંબંધી ગુનાઓને નિયંત્રિત કરવા માટે શરૂ કરેલા ‘SHASTRA’ (શરીર સંબંધી ત્રાસ રોકવા અભિયાન) પ્રોજેક્ટ હેઠળ છેલ્લા સવા બે મહિનામાં અસરકારક કામગીરી કરી છે. 16 ફેબ્રુઆરી, 2025થી શરૂ થયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત ચાર મહાનગરો – અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 33 અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સાંજે 6થી રાત્રે 12 વાગ્યા દરમિયાન “Evening Policing” પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વ અને રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ અમલમાં મુકાયેલા આ પ્રોજેક્ટના સવા બે મહિનાના સમયગાળા દરમિયાન પોલીસે દારૂ, જુગાર, નશામાં વાહન ચલાવવું તેમજ જીપી એક્ટ ૧૩૫ હેઠળ નોંધપાત્ર સંખ્યામાં ગુનાઓ દાખલ કર્યા છે. ડેટા ડ્રિવન પોલીસિંગના અભિગમ સાથે પોલીસે ગુનાના હોટસ્પોટ ઓળખીને કાર્યવાહી કરી છે.
અસરકારક કામગીરીની વિગતો:
ચાર મહાનગરોના 33 અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં SHASTRA પ્રોજેક્ટ અંતર્ગત કુલ 5529 ગુનાઓ નોંધાયા છે, જેની શહેરવાર વિગતો નીચે મુજબ છે:
 * અમદાવાદ શહેર: 12 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 1515 ગુનાઓ નોંધાયા.
 * સુરત શહેર: 9 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સૌથી વધુ 3001 ગુનાઓ નોંધાયા.
 * વડોદરા શહેર: 7 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 461 ગુનાઓ નોંધાયા.
 * રાજકોટ શહેર: 5 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 552 ગુનાઓ નોંધાયા.
SHASTRA પ્રોજેક્ટની વિશેષતાઓ:
ગુજરાત પોલીસે ઇ-ગુજકોપ ડેટાના વિશ્લેષણ દ્વારા ચાર મહાનગરોમાં શરીર સંબંધી ગુનાઓના હોટસ્પોટ નક્કી કર્યા હતા. આ વિશ્લેષણમાં જાણવા મળ્યું કે રાજ્યમાં બનતા શરીર સંબંધી ગુનાઓમાંથી 25% ગુનાઓ આ ચાર મહાનગરોમાં અને તેમાંથી 45% ગુનાઓ સાંજે 6થી રાત્રે 12 વાગ્યાના સમયગાળામાં બને છે. આને ધ્યાનમાં રાખીને પોલીસે નીચે મુજબના પગલાં લીધાં:
 * સાંજે 6થી રાત્રે 12 વાગ્યા દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ SHASTRA ટીમો તૈનાત કરાઈ.
 * ફુટ પેટ્રોલિંગ, સઘન વાહન ચેકિંગ અને નાકાબંધી જેવી પ્રવૃત્તિઓ વધારવામાં આવી.
 * સંદિગ્ધ વ્યક્તિઓ પર ખાસ નજર રાખીને 135 GP એક્ટ હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ.
 * પોલીસની હાજરી વધુ મજબૂત બનાવીને નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધારવામાં આવી.

 

(5:23 PM IST)