News of Sunday, 27th April 2025
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 500થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત : પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોલીસને યોગ્ય તપાસ કરી નિર્દોષોને છોડવા વિનંતી કરી
શાહેઆલમ અને ચંડોળા વિસ્તારમાંથી અટકાયત કરાયેલા લોકોના નાગરિકતાના પુરાવાની ચકાસણી જમાલપુર હવેલી ખાતે કરાઈ : હોબાળો મચાવતા પરિવારજનોને પૂર્વ ધારાસભ્યએ સમજાવ્યા

અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શાહેઆલમ અને ચંડોળા વિસ્તારમાંથી શંકાસ્પદ લાગતા 500થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી હતી. આ તમામ લોકોને ભારતીય નાગરિકતાના પુરાવાની ચકાસણી માટે જમાલપુર હવેલી ખાતે લાવવામાં આવ્યા હતા. અટકાયત કરાયેલા લોકોના પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવતા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે તાત્કાલિક પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાન્ચને ટેલિફોનિક વાતચીત કરી હતી અને રૂબરૂ મળીને વિનંતી કરી હતી કે જો ભારતીય નાગરિકતાના પુરાવા યોગ્ય જણાય તો તેમને છોડી મૂકવામાં આવે.
ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે તેમને હોબાળા અંગે અને ભારતીય નાગરિકતા ધરાવતા લોકોના પરિવારજનો દ્વારા સંપર્ક કરવામાં આવતા તેઓ તાત્કાલિક જમાલપુર હવેલી ખાતે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ બહાર આવીને હોબાળો કરી રહેલા લોકોને શાંત પાડવાના સફળ પ્રયાસો કર્યા હતા.
ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેમને જે પ્રત્યુત્તર આપ્યો હતો તે તેમણે અટકાયત કરાયેલા લોકોના પરિવારજનોને સમજાવ્યો હતો કે જે ભારતીય નાગરિકો હશે તેમના પુરાવાની યોગ્ય ચકાસણી કરવામાં આવશે અને જો તેઓ ભારતીય નાગરિક હશે તો તેમને મુક્ત કરવામાં આવશે. શેખે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારતીય નાગરિકતાના પુરાવાની ચકાસણી કર્યા બાદ જો કોઈ બાંગ્લાદેશી કે અન્ય વિદેશી નાગરિકતાના પુરાવાના અભાવે ગેરકાયદેસર ઘૂસણખોર જણાય તો તેમને દેશનિકાલ કરવામાં આવે તેને તેમનું પણ સમર્થન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ કોઈપણ ઘૂસણખોરને મદદ કરવાના નથી અને જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી આવ્યા છે તે તમામને બાંગ્લાદેશ પરત જવું પડશે. તેમણે ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહીને યોગ્ય, ન્યાયિક અને નિષ્પક્ષ ગણાવી હતી.
શેખે ડિટેઈન કરાયેલા લોકોના પરિવારજનોને ખાતરી આપી હતી કે જો તેમની પાસે કાયદેસરના ભારતીય નાગરિકતાના પુરાવા હશે તો તેમને કોઈપણ તકલીફનો સામનો કરવો નહીં પડે. તેમણે એ પણ જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચ નિષ્પક્ષ કાર્યવાહી કરી રહી છે અને ડિટેઈન કરાયેલા લોકોને માનવતાના ધોરણે જમવાનું, પીવાનું પાણી અને દવાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. આ સત્ય હકીકત જણાવતા હોબાળો કરી રહેલા લોકો શાંત થઈ ગયા હતા.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
