News of Sunday, 27th April 2025
અમદાવાદમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૭૦ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર : જળસંચય અને ગ્રીન કવરમાં વધારાથી અમદાવાદ ગ્લોબલ વોર્મિંગ સામે લડનારા મુખ્ય શહેરોમાંનું એક બન્યું : વડાપ્રધાન નરેન્દ્રભાઈએ 'મન કી બાત'માં પ્રશંસા કરી
વડાપ્રધાનના 'એક પેડ મા કે નામ'ના આહવાનને ઝીલી લેવા ગુજરાત સજ્જ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનમાં શહેરી વિકાસ વર્ષમાં રાજ્યના મહાનગરોમાં ૧૦૦થી વધુ અર્બન ફોરેસ્ટ નિર્માણનું આયોજન

અમદાવાદ: અમદાવાદ મહાનગરે છેલ્લાં ત્રણ વર્ષમાં ૭૦ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને અને સાબરમતી રિવર ફ્રન્ટ તથા કાંકરિયા સહિતના તળાવોના પુનઃનિર્માણ દ્વારા જળસંચય અને ગ્રીન કવરમાં નોંધપાત્ર વધારો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના ૨૭ એપ્રિલના એપિસોડમાં અમદાવાદ મહાનગરની આ નોંધપાત્ર કામગીરીની પ્રશંસા કરી હતી. વડાપ્રધાનભાઈએ જણાવ્યું હતું કે વૃક્ષાચ્છાદિત આવરણ વધતા અને જળસંગ્રહ ક્ષમતા માટેના ઉપાયો હાથ ધરાતા અમદાવાદ ગ્લોબલ વોર્મિંગ સામે લડનારા મુખ્ય શહેરોમાંનું એક બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી આ પ્રશંસા અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય માટે 'એક પેડ મા કે નામ' ના આહવાનને ઝીલી લેવાની નવી પ્રેરણા પૂરી પાડશે તેમ જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા 'એક પેડ મા કે નામ' અને 'કેચ ધ રેઈન' જેવા સંકલ્પોને પાર પાડવા ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં સંપૂર્ણ રીતે સજ્જ છે. રાજ્યના શહેરો અને નગરોના સર્વગ્રાહી વિકાસની નેમ સાથે આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવીને પર્યાવરણપ્રિય અને સાતત્યપૂર્ણ વિકાસ માટે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે નક્કર આયોજન કર્યું છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં શહેરી વિકાસ વિભાગે ગ્રીન કવર વધારવાના ઉદ્દેશ્યો સાથે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ કર્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાએ 'કેચ ધ રેઇન' અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે પરકોલેટિંગ વેલ, ખંભાતી કુવા તથા જળસંચયના જે કામો જનભાગીદારીથી મોટા પાયે હાથ ધર્યા છે તે પ્રોજેક્ટને રાજ્ય વ્યાપી બનાવવા માટે બજેટમાં ૨૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જળસંચયના ભાગરૂપે રાજ્યના મોટા મહાનગરોના તળાવોનું ઇન્ટર લિંકિંગ કરવાનું આયોજન પણ આ શહેરી વિકાસ વર્ષમાં કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ધરતી માતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા સાથે આવનારી પેઢીના ભાવિની સુરક્ષા હેતુસર ક્લાઇમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા વધુને વધુ વૃક્ષો 'એક પેડ માં કે નામ' અભિયાનથી વાવવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે. ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આગામી ચોમાસા પહેલા આ અભિયાન રાજ્યભરમાં હાથ ધરીને ૫૦ લાખથી વધુ વૃક્ષો શહેરી વિસ્તારોમાં વાવવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અંતર્ગત રાજ્યના મહાનગરોમાં એક હેક્ટરથી વધુ વિસ્તાર અને ૪૦,૦૦૦થી વધુ વૃક્ષો વાવી શકાય તે રીતે ૧૦૦થી વધુ અર્બન ફોરેસ્ટ ઊભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમમાં એક ટકા જમીન અર્બન ફોરેસ્ટ માટે અનામત રાખવાનું પણ ફરજિયાત બનાવ્યું છે તેમજ જે નગરપાલિકાઓમાં એક પણ બગીચો ન હતો તેવી ૩૮ નગરપાલિકાઓમાં બગીચાઓના નિર્માણનું આયોજન કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શન અને દ્રષ્ટિવંત નેતૃત્વમાં અમદાવાદ મહાનગરપાલિકાએ પણ ગ્રીન કવર વધારવામાં અનેક સિદ્ધિઓ મેળવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર અમદાવાદમાં ૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫ વચ્ચે ૯૩ લાખથી અધિક વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૭૦ લાખ વૃક્ષોનો સમાવેશ થાય છે. મિશન મિલિયન ટ્રીઝ ઝુંબેશ અમદાવાદમાં શરૂ કરીને નાગરિકોની સહભાગીતાથી સઘન વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. પાછલા પાંચ વર્ષમાં ૨૬૦થી વધુ અર્બન ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્ક અમદાવાદમાં ડેવલપ થયા છે. આ બધાના પરિણામે ૨૦૨૩ સુધી સરેરાશ વૃક્ષ અસ્તિત્વ દર ૬૦ ટકા હતો તે ૨૦૨૪માં ૮.૪ ટકા થયો છે. 'એક પેડ મા કે નામ' જેવા અભિયાનને પરિણામે અમદાવાદનું હાલનું વૃક્ષ આવરણ ૬૦ ચોરસ કિલોમીટર છે જે શહેરના કુલ વિસ્તારના ૧૨.૫ ટકા જેટલું થયું છે. અમદાવાદ મહાનગરપાલિકાના આ સંકલિત પ્રયાસોને પરિણામે વ્યક્તિદીઠ ગ્રીન કવર ૨૦૨૧માં ૬.૮ ચોરસ કિલોમીટરથી વધીને ૨૦૨૪માં ૮.૪ થયું છે. આ ઉપરાંત મહાનગરપાલિકાના ૪૮ વોર્ડમાંથી ૪૧ વોર્ડમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારોમાં પણ વધારો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં શહેરી વિકાસ વિભાગ શહેરી વિકાસ વર્ષમાં નગરોના ગ્રીન કવર એરિયામાં વધારો કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ આ વર્ષમાં સમગ્ર શહેરમાં ૪૦ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ મહાનગરમાં વૃક્ષાચ્છાદિત વિસ્તાર અને જળસંચયના કામોની કરેલી સરાહના આ માટે સમગ્ર રાજ્યનું પ્રોત્સાહન કરનારી બની રહેશે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
