<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં ૮૬,૦૦૦થી વધુ બાળકોને પ્રવેશ અપાયા:જુઓ સંપુર્ણ યાદી

શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૨,૩૮,૯૧૬ જેટલી અરજીઓ ઓનલાઈન મળેલ જેમાંથી ૧,૭૫,૬૮૫ જેટલી અરજીઓ જિલ્લા કક્ષાએ ચકાસણી બાદ માન્ય ઠરેલ હતી

ગાંધીનગર : RTE ACT-2009ની કલમ 12.1.(C) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% લેખે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના પ્રયાસોથી વાલીઓમાં જાગૃતી આવતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૨,૩૮,૯૧૬ જેટલી અરજીઓ ઓનલાઈન મળેલ હતી. જેમાંથી ૧,૭૫,૬૮૫ જેટલી અરજીઓ જિલ્લા કક્ષાએ ચકાસણી બાદ માન્ય ઠરેલ હતી. ૧૩૭૬૧ જેટલી અરજીઓ અધુરા દસ્તાવેજો જેવા જુદા જુદા કારણોસર અમાન્ય ઠરેલ હતી જ્યારે ૪૯૪૭૦ જેટલી અરજીઓ વાલીઓ દ્વારા કેન્સલ કરવામાં આવેલ હતી

  રાજયની કુલ ૯૭૪૧ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળા માં જુદા જુદા માધ્યમમાં કુલ ૯૩,૮૬૦ જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કીમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં ૮૬,૨૭૪ જેટલા વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવેલ છે. જ્યારે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણીને અંતે રાજ્યમાં ૭૫૮૬ જેટલી જગ્યાઓ અરજદારોની પસંદગીનાં અભાવે ખાલી રહેવા પામેલ છે. પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી અન્વયે વાલીઓને SMS થી જાણ કરવામાં આવેલ છે. તથા તા:- ૦૮/૦૫/૨૦૨૫, ગુરુવાર સુધીમાં જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ મેળવી લેવા જણાવવામાં આવેલ છે.

 પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેતી જગ્યાઓ પર વધુમાં વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ ફાળવી શકાય તે માટે જે બાળકોને પ્રવેશ ફાળવવામાં આવેલ નથી તેવા અરજદારોને બીજા રાઉન્ડ પૂર્વે શાળાઓની પુનઃ પસંદગીની તક આપી ત્યારબાદ બીજા રાઉન્ડની નિયમાનુસાર પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(7:16 PM IST)