<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

મહેસાણામાં ઐતિહાસિક સિદ્ધિ : આચાર્ય અરવિંદસાગર સૂરીશ્વરજી દ્વારા રચિત 100 વર્ષનાં જૈન પંચાંગનું આજે વિમોચન

પાંચ વર્ષની મહેનતથી તૈયાર શાસ્ત્રાર્થ પંચાંગ ધાર્મિક-સામાજિક કાર્યોમાં માર્ગદર્શક બનશે

મહેસાણા, 29 એપ્રિલ 2025: જૈન સમાજ માટે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. આચાર્યદેવ શ્રી અરવિંદસાગર સૂરીશ્વરજીએ પ્રથમવાર 100 વર્ષનું શતવર્ષીય ‘શ્રી સીમંધર સ્વામી પ્રત્યક્ષ પંચાંગ’ તૈયાર કર્યું છે, જેના ચાર ભાગોના શાસ્ત્રાર્થ ગ્રંથનું વિમોચન આજે સવારે 9 વાગ્યે રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં મહેસાણામાં થશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ અને આચાર્ય ગુરુભગવંતો ઉપસ્થિત રહેશે.

શાસ્ત્રાર્થ પંચાંગની વિશેષતાઓ:
આચાર્ય અરવિંદસાગર સૂરીશ્વરજીએ ઇ.સ. 2017માં 100 વર્ષનું પંચાંગ તૈયાર કર્યું હતું, જેના આધારે હવે શાસ્ત્રાર્થ પંચાંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પંચાંગમાં આગામી શતાબ્દીની તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ, શુભ-અશુભ યોગો, મહાપાત, ગ્રહણ, ગ્રહ લોપ-દર્શન જેવી માહિતી મિનિટના આધારે સરળ અને સચોટ રીતે રજૂ કરવામાં આવી છે. દૈનિક આરાધના, દીક્ષા, પ્રતિષ્ઠા જેવા ધાર્મિક અને સામાજિક કાર્યો માટે યોગ્ય મુહૂર્તની વિગતો આ પંચાંગમાં ઘડીના છઠ્ઠા ભાગની ચોકસાઈ સાથે ઉપલબ્ધ છે.

આ શતવર્ષીય શાસ્ત્રાર્થ પંચાંગની તૈયારી 2020માં દક્ષિણ ભારતના પાંડીચેરીમાં કોરોના મહામારી દરમિયાન શરૂ થઈ હતી. પાંચ વર્ષની અથાગ મહેનત બાદ આ ગ્રંথનું નિર્માણ પૂર્ણ થયું છે. આ પંચાંગ માત્ર જૈન સમાજ માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યોમાં માર્ગદર્શક બનશે. આચાર્યજીના શોધકૃત અભિગમ અને સમર્પણથી રચાયેલો આ ગ્રંથ આગામી 100 વર્ષ સુધી સમાજને દિશા આપતો રહેશે.

(9:10 AM IST)