<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

આયુષ્માન ભારત દિવસ : ગુજરાતની અભૂતપૂર્વ સિદ્ધિ : રાજ્યના 70% નાગરિકોનું આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ હેઠળ નોંધણી : ડિજિટલ હેલ્થ રેકોર્ડમાં ક્રાંતિ

4.77 કરોડથી વધુ નાગરિકોએ ABHA માટે નોંધણી કરાવી : 2.26 કરોડથી વધુ હેલ્થ રેકોર્ડ લિંક : ભાવનગર ABDM માઇક્રોસાઇટનું રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન : 'સ્કેન અને શૅર' સુવિધાથી OPD સેવાઓ સુલભ

ગાંધીનગર, તા. ૨૯ એપ્રિલ: આગામી ૩૦ એપ્રિલે ઉજવવામાં આવનાર આયુષ્માન ભારત દિવસ પૂર્વે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) હેઠળ ગુજરાતે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યના ૪.૭૭ કરોડથી વધુ નાગરિકો, એટલે કે ૭૦% વસ્તીએ આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA) હેઠળ પોતાની નોંધણી કરાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત, વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયા વિઝનને સાકાર કરતાં, હેલ્થ રેકોર્ડ્સના ડિજિટલાઇઝેશનમાં દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. આ સિદ્ધિ નાગરિકો માટે સુલભ અને સરળ તબીબી સેવાઓ સુનિશ્ચિત કરવાની રાજ્ય સરકારની મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA) એક ડિજિટલ આરોગ્ય ઓળખ છે, જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોના સ્વાસ્થ્ય સંબંધિત તમામ રેકોર્ડને એક જ પ્લેટફોર્મ પર એકત્રિત કરીને તેને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવાનો છે. આ પહેલ હેઠળ, દરેક નાગરિકને એક યુનિક ડિજિટલ હેલ્થ આઈડી આપવામાં આવે છે, જેના દ્વારા તેમનો સ્વાસ્થ્ય રેકોર્ડ ઓનલાઈન સુરક્ષિત રહે છે. આ સિસ્ટમ ડેટાની સુરક્ષા અને વ્યક્તિગત માહિતીની ગોપનીયતાને સુનિશ્ચિત કરે છે, અને કોઈપણ માહિતી નાગરિકની સ્પષ્ટ પરવાનગી વિના શેર કરી શકાતી નથી.
આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) હેઠળ અત્યાર સુધીમાં ૨.૨૬ કરોડથી વધુ આરોગ્ય રેકોર્ડને સફળતાપૂર્વક ડિજિટલી લિંક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાજ્યની ૧૭,૮૦૦થી વધુ આરોગ્ય સુવિધાઓને પણ આ મિશન હેઠળ નોંધવામાં આવી છે, જે આરોગ્ય સેવાઓની પહોંચ અને ગુણવત્તામાં સુધારો લાવવામાં મદદરૂપ થશે. એટલું જ નહીં, ૪૨,૦૦૦થી વધુ હેલ્થકેર પ્રોફેશનલ્સ પણ આ ડિજિટલ હેલ્થ સિસ્ટમ સાથે જોડાઈ ગયા છે.
દેશભરમાં કાર્યરત ૧૦૦ ABDM માઇક્રોસાઇટ પ્રોજેક્ટ્સમાં ગુજરાતના ભાવનગર શહેરની માઇક્રોસાઇટે સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ભારત સરકાર દ્વારા નિર્ધારિત ૯ મહિનાની સમયમર્યાદા પહેલાં જ ભાવનગર માઇક્રોસાઇટે તેના તમામ લક્ષ્યોને પ્રાપ્ત કરી લીધા છે. નોંધનીય છે કે ભાવનગર માઇક્રોસાઇટ ૨ લાખથી વધુ આરોગ્ય રેકોર્ડને ડિજિટલી લિંક કરનારી દેશની પ્રથમ માઇક્રોસાઇટ બની છે. ગુજરાતની અન્ય ત્રણ મુખ્ય માઇક્રોસાઇટ્સ - અમદાવાદ અને સુરતે પણ તાજેતરમાં જ પોતાના તમામ માઈલસ્ટોન પૂર્ણ કર્યા છે, જ્યારે રાજકોટ માઇક્રોસાઇટ પણ તેના લક્ષ્યોની નજીક પહોંચી રહી છે. ઉલ્લેખનીય છે કે ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ અમદાવાદ, સુરત અને મુંબઈમાં ABDM માઇક્રોસાઇટ પાઇલટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી, જેના સકારાત્મક પરિણામો બાદ હવે સમગ્ર દેશમાં ૧૦૦ ABDM માઇક્રોસાઇટ્સ લાગુ કરવામાં આવી છે.
આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) અંતર્ગત શરૂ કરવામાં આવેલી 'સ્કેન અને શૅર' સુવિધાએ રાજ્યની આરોગ્ય સેવાઓમાં ક્રાંતિ લાવી છે. આ સુવિધા રાજ્યની ૧૯ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં નોંધાયેલા નાગરિકો માટે ઉપલબ્ધ છે. હવે દર્દીઓ માત્ર QR કોડ સ્કેન કરીને સરળતાથી તેમનો OPD ટોકન નંબર મેળવી શકે છે. આ ઉપરાંત, દર્દીની સંમતિથી ડોક્ટરોને દર્દીના આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) સાથે જોડાયેલી તમામ ડિજિટલ આરોગ્ય માહિતીની ત્વરિત ઍક્સેસ મળે છે. QR કોડ આધારિત 'સ્કેન અને શૅર' સુવિધાએ માત્ર દર્દીના અનુભવને જ સુધાર્યો નથી, પરંતુ આરોગ્ય સેવાઓની સમગ્ર પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ અને અસરકારક બનાવી છે.

 

(11:31 AM IST)