તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
બજારની જરૂરિયાત મુજબ નવી ટેકનોલોજીને અનુરૂપ અભ્યાસક્રમો શરૂ કરાશેઃ બળવંતસિંહ
શ્રમ રોજગાર મંત્રીની હાજરીમાં એમ.ઓ.યુ.: આઇ.ટી.આઇ. ભવનોનું લોકાર્પણ

ગાંધીનગર તા.૨૯: ગઇકાલે અહીં શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રાજ્યના રોજગારવાન્છું યુવાનો માટે કૌશલ્યા -ધ સ્કિલ યુનિવર્સિટી તથા નર્મદા રૂરલ ડેવલોપમેન્ટ સોસાયટી, નેમટેક તેમજ અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશન સાથે એમ.ઓ.યુ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે કૌશલ્યા -ધ સ્કિલ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ડ્રોન અંતર્ગત નવનિર્મિત ડ્રોન તાલીમ કેન્દ્ર બીલીમોરા અને માંડવી -સુરતનું લોકાર્પણ કરાયું હતું. મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રૂ.૮૫ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ આઈ.ટી.આઈ ભાવનગર, પ્રતાપનગર અને દેવભૂમિ દ્વારકા નવનિર્મિત મકાનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણીયા વર્ચ્યુલી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કુંવરજી હળપતિ પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જી.એન.એફ.સી. ભરૂચના તાબા હેઠળ ચાલતી ‘નર્મદા રૂરલ ડેવલોપમેન્ટ સોસાયટી' સાથેના એમ.ઓ.યુ. થકી કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સીટી દ્વારા માન્ય ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ તથા અન્ય શોર્ટ ટર્મ-લોંગ ટર્મ કોર્ષ માંગ અનુસાર મંજૂર કરી ચલાવાશે, ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ - ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના તથા અન્ય ઉદ્યોગોના ટ્રેનરને તાલીમબદ્ધ કરાશે, બજારની માંગ અનુસાર નવીનતમ ટેકનોલોજીને અનુરૂપ સ્કિલના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે, રિસર્ચ-કન્સલ્ટિંગ બાબતે કામગીરી કરાશે તેમજ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશન જેવી સ્પર્ધાઓમાં રાજ્યના યુવાનો માટે તાલીમ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.
આ એમ.ઓ.યુ.થી નેમટેક દ્વારા ચલાવતા અભ્યાસક્રમને કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સીટી દ્વારા નિયમનુસાર એફિલીએશન પ્રદાન કરવામાં આવશે, યુનિવર્સીટી દ્વારા માન્ય ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ તથા અન્ય શોર્ટ-લોંગ ટર્મ કોર્ષમાં સમયની માંગ અનુસાર મંજૂર કરી ચલાવાશે, થીયરી, પ્રેક્ટિકલ, ડેમોસ્ટ્રેશન, લેબોરેટરી, વર્કશોપ વગેરેની ફેસીલીટી પૂરી પાડવામાં આવશે, તાલીમ કાર્ય માટે નિષ્ણાંત ફેકલ્ટીની સેવાઓ નેમટેક દ્વારા પૂરી પાડવામાં આવશે, સમયાંતરે ટ્રેનર્સને તાલીમ અપાશે તેમજ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને નેમટેક પ્લેસમેન્ટ માટે મદદરૂપ થશે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના યુવાનો ડ્રોન પાયલોટ ટ્રેનિંગનાં માધ્યમથી કળષિ, રિઅલ એસ્ટેટ, ફિલ્મમેકિંગ, ઇન્સ્પેક્શન જેમ કે પાવર લાઈન, ઓઈલ પાઇપલાઇન, સર્વે અને મેપિંગ જેવા ક્ષેત્રોમાં ટ્રેઇન્ડ ડ્રોન પાઇલોટની કામગીરી કરી શકશે. યુવાનો આ ટ્રેનીંગનાં માધ્યમથી ફોટોગ્રાફી-વિડિઓગ્રાફી, એરિયલ સર્વેની કામગીરી કરીને સારી આજીવિકા પણ કમાઇ શકે છે.આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે ભાવનગર ખાતે આવેલા ઔધોગિક તાલીમ સંસ્થાના રૂપિયા ૩૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ૪૫ વર્કશોપ, ૩૫ થીયરીરૂમ, ૧૪ અન્ય રૂમ તેમજ આઈ.ટી લેબ બનવવામાં આવી છે. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા ખાતે રૂપિયા ૧૪ કરોડથી વધુની રકમમાં ૨૨ વર્કશોપ, ૧૭ થીયરીરૂમ, ૧૪ અન્ય રૂમ, લાઈબ્રેરી તેમજ આઈ.ટી લેબ બનવવામાં આવી છે.
આ પ્રસંગે નર્મદા, દેવભૂમિ દ્વારકા અને ભાવનગરના ધારાસભ્યશ્રીઓ તેમજ અગ્રણીઓ, શ્રમ- કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડો. વિનોદ રાવ, જી.એન.એફ.સી.ના એમડી ડો. ટી. નટરાજન, કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સીટીના ડાયરેક્ટર જનરલ ડો. એસ.પી.સિંઘ, રજિસ્ટ્રાર સુશ્રી રેખા નાયર, ચીફ સ્કિલ કોર્ડીનેટર શ્રી પી.એ.મિષાી, એક્સઝીકયુટિવ ડાયરેક્ટર શ્રી મુરતજા સમશી, એન.આર.ડી.એસ.ના ફંકશનલ હેડ શ્રી નિતેશ નાયક અને લીગલ હેડ શ્રી રિકેશ પટેલ, નેમટેકના ડાયરેક્ટર શ્રી અરુણકુમાર પિલ્લાઈ, અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશનના પ્રમુખ શ્રી પરાગ બરાઈયા, વાઇસ પ્રેસિડેન્ટ ડો. દર્શન મશરૂ તેમજ સેક્રેટરી શ્રી વિરલ ઝવેરી સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
