<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

પાલનપુરમાં ACBની સફળ ટ્રેપ : મકાન નહીં તોડવા માટે ₹૨૫,૦૦૦ની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી વચ્ચે, આરોપી કોન્સ્ટેબલની કોઈ સત્તા ન હોવા છતાં લાંચ માંગતા રંગેહાથ પકડાયો

પાલનપુર: બનાસકાંઠા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ આજે પાલનપુરમાં સફળ ટ્રેપ ઓપરેશન પાર પાડી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અરવિંદભાઈ ભીખાભાઈ આલ (દેસાઈ) નામના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલને ₹૨૫,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપીએ ફરિયાદીનું મકાન તોડવાની કાર્યવાહીમાં પોઝિટિવ રિપોર્ટ કરવા માટે આ લાંચની માંગણી કરી હતી.
ACBના જણાવ્યા અનુસાર, ફરિયાદી વિરુદ્ધ અગાઉ કેટલાક ગુનાઓ નોંધાયેલા હતા. હાલમાં સરકાર દ્વારા અસામાજિક તત્વોના દબાણવાળા કે ગેરકાયદેસર મકાનોને તોડવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહીમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલની કોઈ સત્તા કે જવાબદારી ન હોવા છતાં, તેણે ફરિયાદીને તેમનું મકાન નહીં તોડવા અંગેનો હકારાત્મક રિપોર્ટ કરવા માટે ₹૨૫,૦૦૦ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
લાંચ આપવા ઈચ્છુક ન હોવાથી ફરિયાદીએ બનાસકાંઠા ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACB દ્વારા ડેરી રોડ શિવાલયા સોસાયટીની સામે, જાહેર રસ્તા પર શેરડીના કોલા પાસે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ ટ્રેપ દરમિયાન આરોપી અરવિંદભાઈ આલે ફરિયાદી સાથે હેતુપૂર્ણ વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા જ ACB દ્વારા તેમને રંગેહાથ પકડી લેવામાં આવ્યા હતા.
આ સફળ ટ્રેપિંગ ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ.મોરના નેતૃત્વ હેઠળ પાર પાડવામાં આવ્યું હતું, જ્યારે સુપરવિઝન મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. ACB દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(5:48 PM IST)