તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
ગુજરાત ભાજપે 6 જિલ્લા પ્રમુખોની નિમણૂકની કરી જાહેરાત : જાણો કોની થઈ વરણી
વડોદરાથી લઈને કર્ણાવતી મહાનગર સુધી નવા નેતૃત્વની પસંદગી : રસિકભાઈ પ્રજાપતિ સહિત અન્ય નેતાઓને મળી જવાબદારી

અમદાવાદ : ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તાલુકા અને શહેર પ્રમુખોની નિમણૂક બાદ હવે જિલ્લા સ્તરે નેતૃત્વની જાહેરાતનો સિલસિલો ચાલુ છે. આજે રાજ્યના છ જિલ્લાઓ અને મહાનગરોના ભાજપ પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આમાં વડોદરા, ખેડા, પંચમહાલ, પોરબંદર, ગાંધીનગર મહાનગર અને કર્ણાવતી મહાનગરનો સમાવેશ થાય છે. નવા નિયુક્ત પ્રમુખોને પાર્ટીના સમર્થકો અને નેતાઓ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.
નવા જિલ્લા પ્રમુખોની યાદી અને તેમનો પરિચય:
વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે રસિકભાઈ પ્રજાપતિની વરણી કરવામાં આવી છે. દુમાડ ગામના રહેવાસી રસિકભાઈ લાંબા સમયથી પાર્ટીમાં સક્રિય છે અને અગાઉ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે. ખેડા જિલ્લામાં નયનાબેન પટેલને પ્રમુખપદની જવાબદારી સોંપાઈ છે. ઠાસરાના પરબીયા વિસ્તારના નયનાબેન અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમની નિમણૂક પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શુભેચ્છા પાઠવી છે.
ગાંધીનગર મહાનગરના ભાજપ પ્રમુખ તરીકે આશિષભાઈ દવેની પસંદગી થઈ છે, જ્યારે કર્ણાવતી મહાનગરના પ્રમુખપદે પ્રેરકભાઈ શાહની નિમણૂક થઈ છે. આ ઉપરાંત, પંચમહાલ જિલ્લામાં મયંકભાઈ દેસાઈ અને પોરબંદર જિલ્લામાં ડૉ. ચેતનાબેન રૂપારેલ (તિવારી)ને જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવનિયુક્ત તમામ પ્રમુખોને પાર્ટીના કાર્યકરો અને સમર્થકો દ્વારા અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
આ નિમણૂકો ભાજપની આગામી રણનીતિ અને સ્થાનિક સ્તરે સંગઠનને મજબૂત કરવાના પ્રયાસોનો એક ભાગ માનવામાં આવે છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
