તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 30th April 2025
ડીસામાં તેરાપંથ જૈન ધર્મ સંઘના ૧૧મા ધર્માચાર્ય આચાર્ય મહાશ્રમણજીની નિશ્રામાં વર્ષીતપ પારણાં મહોત્સવનો પ્રારંભ
ડીસાના આંગણે પ્રથમવાર યોજાઈ રહેલ અક્ષય તૃતીયા મહોત્સવમાં આચાર્ય મહાશ્રમણજી ચાર દિવસનું રોકાણ કરશે. દરરોજ સવારે ૯ કલાકે પૂજ્ય ભગવંતનું પ્રવચન યોજાશે

ડીસા: તેરાપંથ જૈન ધર્મ સંઘના ૧૧મા ધર્માચાર્ય આચાર્ય મહાશ્રમણજીની નિશ્રામાં ડીસા ખાતે વર્ષીતપ પારણાં મહોત્સવ (અક્ષય તૃતીયા મહોત્સવ)ના આયોજનનો આજથી પ્રારંભ થયો છે.
તેરાપંથ સમાજ અને આચાર્ય શ્રી મહાશ્રમણ અક્ષયતૃતીયા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ દ્વારા આયોજિત આ મહોત્સવ પ્રસંગે પૂ. આચાર્ય ભગવંત મંગળવારે ડીસામાં મંગળ પ્રવેશ કર્યો હતો. આજે તા.૩૦/૪/૨૦૨૫ના રોજ વર્ષીતપ પારણાં મહોત્સવ (અક્ષય તૃતીયા મહોત્સવ) યોજાશે.
ડીસાના આંગણે પ્રથમવાર યોજાઈ રહેલ અક્ષય તૃતીયા મહોત્સવમાં આચાર્ય મહાશ્રમણજી ચાર દિવસનું રોકાણ કરશે. દરરોજ સવારે ૯ કલાકે પૂજ્ય ભગવંતનું પ્રવચન યોજાશે.પૂજ્ય ભગવંતના આગમનથી તેરાપંથ જૈન સમાજમાં અનેરો ઉત્સાહ છવાયો છે. ડીસામાં તેરાપંથી પરિવારના ૨૮માંથી ૧૫ સહિત દેશ-વિદેશમાં વસતા ૪૪૦ તપસ્વી ભાઈ બહેનોના છેલ્લા 13 માસ અને દસ દિવસથી કઠોર વર્ષીતપ ચાલી રહ્યા છે. જેઓ પૂજ્ય ભગવંતના સાનિષ્યમાં અક્ષય તૃતીયાના દિવસે પારણા કરી વર્ષીતપની પૂર્ણાસ્તુતિ કરશે.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે. જ્યારે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને પાલિકા પ્રમુખ શ્રીમતી નીતાબેન ઠક્કર સહિત ધાર્મિક રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં શ્રાવક શ્રમણીઓ તેમજ દર્શનાર્થીઓ પણ ઉપસ્થિત રહેશે.
આચાર્ય મહાશ્રમણજીએ નેપાળ, ભૂતાન અને ભારતના ૨૩ રાજ્યોમાં અહિંસા યાત્રા દરમિયાન ૨૦ હજાર કિ.મી.ના પ્રવાસમાં સદભાવના, નૈતિકતા અને નશા મુક્તિના ત્રિઆયામી ઉદેશ્યો સાથે ભગવાન મહાવીરનો સંદેશો ફેલાવ્યો હતો.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
