News of Wednesday, 30th April 2025
૨૪ કલાક બાદ વાતાવરણમાં આવશે પલટો, શુક્રવારથી તોફાની પવન સાથે વરસાદ પડશેઃ હવામાન ખાતુ
તા.૨ અને ૩ મેના ઉત્તર ગુજરાતમાં અને બાદ સમગ્ર રાજ્યમાં છુટાછવાયા વરસાદની સંભાવના

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. પારો ૪૫ ડિગ્રી આસપાસ પહોંચી જતા બપોરના સમયે આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદનું તાપમાન ૪૪.૮ ડિગ્રીએ પહોંચી જતા સિઝનનો સૌથી ગરમ દિવસ બન્યો હતો. જ્યારે ૪૪.૯ ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. તો બીજી બાજુ મે મહિનામાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે તેવી આગાહી આપી છે. આ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ થાય તેવી આગાહી પણ હવામાન નિષ્ણાતોએ કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિનાના છેલ્લા દિવસે પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. આજે, બુધવારે રાજકોટમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે રાજ્યના ત્રણ જિલ્લા કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ રહેશે. તે પછીના દિવસો એટલે કે પાંચ મે સુધી રાજ્યમાં હીટવેવનું કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી.
હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીના અનુમાન અનુસાર, ગુજરાતમાં માવઠાની સંભાવના છે. શુક્રવારથી રાજ્યમાં માવઠાની સંભાવના છે. બે અને ત્રણ મેએ ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના છે. ત્રણ મે બાદ આખા રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
