News of Wednesday, 30th April 2025
બઢતી આપવી,મહેસૂલી કાર્ય પદ્ધતિમાં પારદર્શિતા લાવવા સહિતના પ્રશ્નો ન ઉકેલાતા ગુજરાત સરકારના મહેસૂલી કર્મચારીઓ 1 દિવસની માસ સીએલ પર
ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓ ગુજરાત સરકારના મહેસુલ વિભાગમાં મહત્વની કામગીરી કરી રહ્યા છે છતા 8 વર્ષથી ઉકેલ આવ્યો નથી : કર્મચારીઓમાં ભારે રોષ

ગાંધીનગર તા.૩૦
ગુજરાત સરકારના મહેસૂલી કર્મચારીઓ આજે 1 દિવસની માસ સીએલ પર રહ્યા છે. મહેસૂલી કર્મચારીઓની બદલી સહિતના પ્રશ્નો લાંબા સમયથી નહીં ઉકેલાતા અંતે માસ સીએલ પર ઉતરવા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી એસોસિયેશને નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓ ગુજરાત સરકારના મહેસુલ વિભાગમાં મહત્વની કામગીરી કરી રહ્યા છે. સરકારના મહેસૂલ વિભાગની કામગીરીમાં નાયબ મામલતદાર રેવન્યુ કર્મચારી અને કલાર્ક મહત્વની કાર્યવાહી કરે છે. સરકારના મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા 10 હજાર કર્મચારીઓના પડતર પ્રશ્નો મહદ અંશે સિનિયોરિટી પ્રમાણે અધિકારીઓની યાદી બનાવવા અંગે 8 વર્ષથી ઉકેલ આવ્યો નથી. મહેસૂલી કર્મચારીની બદલી માટે માંગ આધારિત મંજૂરી મેળવ્યા પછી બદલીના નિર્ણયમાં સ્થાને વિભાગ કે અધિકારી પોતાની મનમરજીથી ચર્ચા કર્યા વગર નિર્ણય લેતા કર્મચારીઓ પરેશાન થઇ ગયા છે. ક્લાર્કને બઢતી આપવી અને મહેસૂલી કાર્ય પદ્ધતિમાં પારદર્શિતા લાવવા સહિતના પ્રશ્નો ઉકેલાયા નથી.
જો કે આ અંગે મહેસૂલ વિભાગ અને સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આવેદનપત્ર અને કાળી પટ્ટી પહેરી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં પ્રશ્નો યથાવત રહેતા માસ સીએલનું એલાન આપવામાં આવ્યું છે. હવે સરકાર હકારાત્મક અભિગમ અપનાવે તે માંગ મુખ્ય છે. જો માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ભાવિ આંદોલનાત્મક અન્ય કાર્યક્રમ આપવામાં આવશે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
