<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

પેન્શનરો માટે ઘરઆંગણે વિનામૂલ્યે હયાતીની ખરાઈ : ગુજરાત સરકારની મહત્વપૂર્ણ પહેલ

રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને બેંક કે કચેરીમાં ગયા વિના ઘરે બેઠા જ મળશે લાભ : નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે MOU

ગાંધીનગર: ગુજરાતના પેન્શનરો, ખાસ કરીને વરિષ્ઠ પેન્શનરો માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે પેન્શનરોને તેમના હયાતી પ્રમાણપત્ર (લાઇફ સર્ટીફિકેટ) ની ખરાઈ માટે બેંક કે સરકારી કચેરીમાં જવાની જરૂર નહીં પડે. રાજ્ય સરકારે આ સેવા વિનામૂલ્યે તેમના ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયથી રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને લાભ થશે. હાલની પ્રક્રિયા મુજબ પેન્શનરોને હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરી અથવા બેંકમાં જવું પડતું હતું, જેમાં વૃદ્ધ અને અશક્ત પેન્શનરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
હવે આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ગુજરાત સરકારે ભારતીય ટપાલ વિભાગ સાથે સમજૂતી કરાર (MOU) કર્યા છે. આ કરાર નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) વચ્ચે ગાંધીનગર ખાતે સંપન્ન થયો હતો. આ કરાર હેઠળ, રાજ્યની પોસ્ટ ઓફિસ અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકના કર્મચારીઓ પેન્શનરોના ઘરે રૂબરૂ મુલાકાત લેશે અને વિનામૂલ્યે હયાતીની ખરાઈની પ્રક્રિયા પૂર્ણ કરશે.
સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સેવા પેન્શનરોને મદદ કરવા માટે એક વધારાના વિકલ્પ તરીકે કાર્યરત કરવામાં આવી છે. હાલમાં હયાતીની ખરાઈ માટે ઉપલબ્ધ અન્ય વિકલ્પો યથાવત રહેશે. પેન્શનરો દ્વારા મળેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૮ માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની દેશવ્યાપી શરૂઆત કરાવતી વખતે ‘બેંકિંગ સેવા આપ કે દ્વાર’ નું મુખ્ય વિઝન રજૂ કર્યું હતું. ગુજરાત સરકાર દ્વારા આ પહેલ તે જ વિઝનના ભાગરૂપે હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર ખાતે થયેલા સમજૂતી કરાર વખતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી જગદિશભાઈ વિશ્વકર્મા, નાણા વિભાગના સચિવ ટી.નટરાજન, જી.એસ.ટી. કમિશનર રાજીવ ટોપનો સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંપૂર્ણ પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરશે:
પેન્શનરોને ડિજિટલ લાઇફ સર્ટીફિકેટ આપવામાં આવે છે. હવે IPPB ની ટીમનો સંપર્ક કરવાથી અથવા તેમની પોસ્ટ બેંકની ટીમ દ્વારા દરેક પેન્શનરોના ઘરે જઈને આ સેવા પૂરી પાડવામાં આવશે. ટીમ પાસે ઉપલબ્ધ મોબાઇલ લાઇફ સર્ટિફિકેટના સોફ્ટવેરમાં પેન્શનરનો પી.પી.ઓ. નંબર, આધાર નંબર, બેંક એકાઉન્ટની વિગતો અને મોબાઇલ નંબર જેવો મહત્વપૂર્ણ ડેટા દાખલ કરવામાં આવશે. ત્યારબાદ પેન્શનરનું બાયોમેટ્રિક લેવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયાની ગણતરીની મિનિટોમાં જ પેન્શનરના ડિજિટલી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી ડિજિટલ લાઇફ સર્ટીફિકેટ ઇસ્યુ થઈ જશે. જેની એક ડિજિટલ નકલ પેન્શન ઓફિસમાં પણ પહોંચી જશે.
મહત્વની વાત એ છે કે અન્ય રાજ્યોમાં રહેતા અને મૂળ ગુજરાતના પેન્શનરોને પણ આ સેવાનો લાભ મળશે. આ માટે તેઓએ નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેનનો સંપર્ક કરવાનો રહેશે.

 

(4:24 PM IST)