News of Wednesday, 30th April 2025
સાણંદ GIDCમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ટ્રુત્ઝ્લર ઇન્ડિયાના અત્યાધુનિક પ્લાન્ટનો શુભારંભ : ભારત વિશ્વનું 'મેન્યુફેક્ચરિંગ હબ' બનવા તરફ અગ્રેસર
સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અને ધારાસભ્ય કનુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ'ના વિઝનને સાકાર કરવા ₹૪૦૦ કરોડના ખર્ચે સ્થપાયેલો આ પ્લાન્ટ ટેક્સટાઈલ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરશે

સાણંદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સાણંદ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)માં ટ્રુત્ઝ્લર ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના અત્યાધુનિક અને વિશાળ નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા તેમજ સાણંદના લોકપ્રિય ધારાસભ્ય કનુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમની પ્રેરક ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વિશેષ મહત્વ પ્રદાન કર્યું હતું.
આ શુભ પ્રસંગે સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આજે વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ દેશનો આર્થિક અને ઔદ્યોગિક વિકાસ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલા 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને કારણે ભારતના ઉત્પાદકોએ વૈશ્વિક બજારમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે અને હવે ભારત ટૂંક સમયમાં જ વિશ્વનું 'મેન્યુફેક્ચરિંગ હબ' બનવા માટે સજ્જ છે, એમ તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા નવા કાર્યમંત્ર 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ'નો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ₹૪૦૦ કરોડના નોંધપાત્ર ખર્ચે આધુનિક ટેક્નોલોજી સાથે અપગ્રેડ કરીને શરૂ કરવામાં આવેલો ટ્રુત્ઝ્લરનો આ નવો પ્લાન્ટ ટેક્સટાઈલ મશીનરીના ક્ષેત્રમાં આ કાર્યમંત્રને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ઉપરાંત, તે રાજ્યના ટેક્સટાઈલ ઉદ્યોગ અને સમગ્ર ઔદ્યોગિક વિકાસને નવી દિશા અને વેગ આપશે, એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે વિશ્વના નકશા પર પોતાનું આગવું સ્થાન જમાવે અને રાજ્યમાં વધુને વધુ મૂડીરોકાણ આકર્ષિત થાય તેવા ઉમદા આશય સાથે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩ થી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટની સફળ શરૂઆત કરાવી હતી. આ સમિટના પરિણામે આજે ગુજરાત દેશની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં ૮.૩ ટકાનું નોંધપાત્ર યોગદાન આપીને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે.
રાજ્યમાં ઉત્તમ વીજળી, પૂરતું પાણી, અદ્યતન રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોકો માટે સાનુકૂળ નીતિઓ અને કુશળ માનવબળની ઉપલબ્ધતાને કારણે ગુજરાત વિશ્વભરના ઉદ્યોગ રોકાણકારો માટે 'બેસ્ટ ચોઈસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ' સાબિત થયું છે, તેમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેક્ટર સ્પેસિફિક પોલિસીના કારણે ગુજરાત આજે પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ઓળખાય છે, જેના પરિણામે રાજ્યમાં ઉદ્યોગોનો અભૂતપૂર્વ વિકાસ શક્ય બન્યો છે.
કાપડના ઉત્પાદન અને વેપાર ક્ષેત્રે ગુજરાત સદીઓથી એક મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે અને તે 'ટેક્સટાઈલ સ્ટેટ ઓફ ઈન્ડીયા' તેમજ 'ડેનિમ કેપિટલ' તરીકે વિશ્વભરમાં જાણીતું છે, તેમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વર્ષ ૨૦૧૨માં નરેન્દ્રભાઈએ 'ફાર્મ ટુ ફાઈબર ટુ ફેબ્રિક ટુ ફેશન ટુ ફોરેન'ના 5F ફોર્મ્યુલા સાથેની ટેક્સટાઈલ પોલિસી જાહેર કરી હતી. આ ઉપરાંત, ૨૦૧૭માં ગારમેન્ટ અને એપરલ ઉદ્યોગો માટે ૫ વર્ષની ખાસ નીતિ અને ત્યારબાદ ૨૦૧૯માં ગારમેન્ટ પોલિસીની સમીક્ષા કરીને નવી પોલિસી જાહેર કરવામાં આવી હતી. આ જ દિશામાં આગળ વધતાં, વિકસિત ભારતના નિર્માણમાં ટેક્સટાઈલ ક્ષેત્રને પૂરક બનાવવાના ઉદ્દેશ સાથે ટેક્સટાઈલ પોલિસી ૨૦૨૪ પણ જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા નવ સંકલ્પને અપનાવીને સૌને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા માટે આહ્વાન કર્યું હતું.
'મેક ઈન ઈન્ડિયા' અભિયાનમાં સહયોગ બદલ ટ્રુત્ઝ્લરના માલિકોનો આભાર વ્યક્ત કરતાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે જર્મન કંપની ટ્રુત્ઝ્લરના વિશ્વના અન્ય દેશોમાં કાર્યરત પ્લાન્ટ્સની સરખામણીએ સાણંદ ખાતેનો આ પ્લાન્ટ સૌથી મોટો અને અત્યાધુનિક પ્લાન્ટ છે. કાપડ ક્ષેત્રે 'ફાર્મ ટુ ફેશન'ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ટ્રુત્ઝ્લરનો આ નવો પ્લાન્ટ મહત્વપૂર્ણ યોગદાન આપશે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં સુચારું ઉદ્યોગ નીતિઓ અને બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીના કારણે વિશ્વભરની કંપનીઓ આપણા રાજ્યમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત તેની વિકાસગાથાને વધુ મજબૂત બનાવી રહ્યું છે. બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ સહિત તમામ જરૂરી સુવિધાઓ અને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગના કારણે ગુજરાત આજે વૈશ્વિક કંપનીઓ માટે એક આદર્શ સ્થળ બની રહ્યું છે.
આ પ્રસંગે કંપનીના પ્રમોટર ટ્રુત્ઝ્લરે જણાવ્યું હતું કે ગુજરાતમાં આ પ્લાન્ટ શરૂ કરવો એ તેમની કંપની માટે એક ઐતિહાસિક ક્ષણ છે. ટેક્સટાઈલ મશીનરી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પૂરા પાડવાનો તેમનો મુખ્ય લક્ષ્યાંક રહેશે. ભારતીય ગ્રાહકોનો તેમના પર વર્ષોથી રહેલો ભરોસો અને વિશ્વાસ તેમને ભારતીય ટેક્સટાઈલ માર્કેટના 'ડોમિનન્ટ પ્લેયર' બનવા અને અહીં આ નવીન પ્લાન્ટ શરૂ કરવા માટે સતત પ્રોત્સાહન પૂરું પાડે છે.
કંપનીના અન્ય પ્રમોટર ડૉ. સ્કુરેંક્રેમરે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં કંપનીની સ્થાપનાથી લઈને તેના સમગ્ર ઇતિહાસ અને ભારતમાં કંપનીના બિઝનેસ, તેના વિસ્તરણ અને વિકાસ વિશે વિગતવાર વાત કરી હતી. તેમણે ઝડપથી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને અન્ય તમામ પ્રકારના સહકાર બદલ રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ટ્રુત્ઝ્લર ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના આ નવીન પ્લાન્ટના શુભારંભ પ્રસંગે ટ્રુત્ઝ્લરના માલિકો, પ્રમોટર્સ, સીઈઓ, ટ્રુત્ઝ્લર ઈન્ડિયા અને ટ્રુત્ઝ્લર જર્મનીના ઉચ્ચ અધિકારીઓ, કંપનીના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
