<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

કેન્દ્ર સરકારે ગુજરાત હાઇકોર્ટમાં 7 ન્યાયિક અધિકારીઓની જજ તરીકે નિમણૂકને મંજૂરી આપી : જુઓ નામ ની સૂચિ

રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કેન્દ્રીય કાયદા મંત્રી દ્વારા નિમણૂકની જાહેરાત : સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ભલામણ કરેલા આઠમાંથી સાત અધિકારીઓની નિમણૂક

અમદાવાદ: કેન્દ્ર સરકારે આજે (1 મે) ગુજરાત હાઇકોર્ટમાં સાત ન્યાયિક અધિકારીઓની જજ તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે 'X' પર આ નિમણૂકો અંગે માહિતી આપી હતી. તેમની પોસ્ટ અનુસાર, "ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, ભારતના રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા બાદ, નીચેના ન્યાયિક અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે નિયુક્ત કર્યા છે."

જે ન્યાયિક અધિકારીઓને જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેમના નામ આ પ્રમાણે છે:
(i) શ્રી લિયાકતહુસૈન શમ્સુદ્દીન પીરઝાદા,
(ii) શ્રી રામચંદ્ર ઠાકુરદાસ વછાણી,
(iii) શ્રી જયેશ લખનશીભાઈ ઓડેદરા,
(iv) શ્રી પ્રણવ મહેશભાઈ રાવલ,
(v) શ્રી મૂલ ચંદ ત્યાગી,
(vi) શ્રી દીપક મનસુખલાલ વ્યાસ,
(vii) શ્રી ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે 'આઠ' ન્યાયિક અધિકારીઓની નિમણૂક કરવાની ભલામણ કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ગયા મહિને નિમણૂક માટે ભલામણ કરાયેલા ન્યાયિક અધિકારી રોહેનકુમાર કુંદનલાલ ચુડાવાલાનું નામ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં સામેલ નથી.

(6:23 PM IST)