News of Thursday, 1st May 2025
જાહેરમાં એસિડ એટેક કરનાર આરોપીને ૧૦ વર્ષ કેદની સજા
ઘાટલોડિયા વિસ્તારમાં વર્ષ ૨૦૨૨માં બનેલી ઘટનાઃબાદમાં કામ કર્યા બાદ મહિલા શિવા નાયકની રિક્ષામાં ઘરે જતી વખતે એકબીજા વાતચીત કરતા હતા

અમદાવાદ:અમદાવાદઃ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં બનેલા કેસની વિગત એવી છે કે નવરંગપુરા વિસ્તારના લખુડી તળાવ પાસે રહેતા સંજય ઉર્ફે શિવો નાયક નામના આરોપીએ વર્ષ ૨૦૨૨માં સિનિયર સીટીઝનના ઘરે એક મહિલા કેર ટેકર તરીકે કામ કરતી મહિલા પર એસિડ એટેક કરેલો.
શરૃઆતમાં લખુડી તળાવ પાસે કામે જતી મહિલા સાથે રીક્ષા ચાલક શિવા નાયકનો પરિચિત થયો. બાદમાં કામ કર્યા બાદ મહિલા શિવા નાયકની રિક્ષામાં ઘરે જતી વખતે એકબીજા વાતચીત કરતા હતા. જે પછી શિવા નાયક મહિલા સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો. જેથી મહિલાએ વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. પરતું અચાનક એક દિવસ રાત્રે મહિલાને શિવાએ રોકી વાત કરવાનું કહ્યું હતું પણ મહિલા વાત કર્યા વગર જતી રહી. આ દરમિયાન ૬ માર્ચ ૨૦૨૨ના રોજ શિવાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક તરફી પ્રેમમાં મહિલા પર જાહેરમાં જ એસિડ ફેંક્યો હતો. જેથી તેના મોઢા સહિત શરીરનો ભાગ બળી ગયો હતો. આ મામલે ઘાટલોડિયા પોલીસે ફરિયાદ નોંધી ૮ માર્ચના રોજ શિવાને ઝડપી લીધો હતો.
ત્યારબાદ પોલીસે આરોપી સામે ચાર્જશીટ કરતા કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલ ભાવેશ પટેલે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, એક તરફી પ્રેમમાં શિવા નાયક મહિલા સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો અને મહિલા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતો હતો પરંતુ મહિલા વાત ન કરતા અંતે ગુસ્સામાં એસિડ એટેક કર્યો હતો. મહિલાના શરીર પર એસિડ એટેક થતાં મોઢું અને છાતીનો ૧૫ ટકા જેટલો ભાગ બળી ગયો છે. નોંધનીય છે કે, આ કેસમાં સરકાર તરફે પણ એવી દલીલ કરવામાં આવી હતી કે, આરોપીએ હિચકારુ કૃત્ય આચર્યું છે, આરોપીએ કરેલા કૃત્યની યાતના મહિલા હજુ પણ ભોગવી રહી છે ત્યારે કાયદામાં દર્શાવેલી પુરે પુરી સજા કરવી જોઇએ. આરોપી સામે આખોય કેસ નિઃશંક પણે પુરવાર થાય છે, આવા આરોપીઓના કારણે મહિલાઓની સલામતીનો પ્રશ્ન ઉભો થાય છે. ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ એક તરફી પ્રેમમાં મહિલા પર જાહેરમાં એસિડ એટેક કરનારા આરોપીને એડિશનલ સેશન્સ જજ બી.કે.અવાશીયાએ ૧૦ વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, આવા આરોપી સામે દયા ન દાખવી શકાય. બીજી તરફ ભોગબનનારને વળતર આપવા મામલે કોર્ટ અલગથી હુકમ કરશે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
