<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

ચંડોળા તળાવનો માસ્ટર માઈન્ડ લલ્લા બિહારીની ચારેય પત્નીઓના ઘરે ક્રાઈમ બ્રાંચ પહોંચી : સર્ચ ઓપરેશન

લલ્લાની અન્ય એક જગ્યા પર પણ સર્ચ ઓપરેશન: લલ્લા બિહારી ડિમોલિશનની કામગીરી પહેલા જ ફરાર :તેને પકડવા પોલીસ સક્રિય

અમદાવાદના ચંડોળામાં સામ્રાજ્ય ઉભુ કરનાર લલ્લા બિહારીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કૂલ પાંચ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. લલ્લાના પુત્રની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હવે ફરાર થઈ ગયેલા લલ્લાને ઝડપી લેવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. ચંડોળામાં આજે ત્રીજા દિવસે પણ દબાણો તોડવામાં આવ્યા હતાં.

પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે ચંડોળા વિસ્તારમાં સતત ત્રીજા દિવસે દબાણ હટાવવામાં આવ્યા હતાં. તળાવની જમીન પર બનેલું આશરે 1 હજાર ચોરસ મીટરનું ગોડાઉન તોડી પડાયું હતું. ચોમાસામાં પાણી ના ઘૂસે તે માટે તળાવની અંદર બનાવેલા પાળા તોડી પાડવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ક્રાઈમ બ્રાંચે ચંડોળાના માસ્ટર માઈન્ડ લલ્લા બિહારીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

લલ્લા બિહારીની કૂલ પાંચ જગ્યાઓ પર ક્રાઈમ બ્રાંચની ટીમો પહોંચી ગઈ હતી. તેના ચાર ઘરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. લલ્લા બિહારીની ચાર પત્નીઓ છે અને તે અલગ અલગ ઘરમાં રહે છે. ચારેય પત્નીઓના ઘરે ક્રાઈમ બ્રાંચની ટીમો પહોંચી હતી અને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઉપરાંત લલ્લાની અન્ય એક જગ્યા પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. લલ્લા બિહારી ડિમોલિશનની કામગીરી પહેલા જ ફરાર થઈ ગયો છે. તેને પકડવા માટે પણ પોલીસ સક્રિય થઈ ગઈ છે.

(10:00 PM IST)