<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

પૈસાની લેતી દેતીમાં સગીર મિત્રનું અપહરણ કરી રાજસ્થાન પહોંચ્યા : પોલીસે ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓેને ઝડપ્યા

મામાને રૂપીયા આપીને આંગડિયા પેઢીમાં મોકલ્યા બાદ સગીરનો કોઇ પત્તો ના લાગતા પોલીસને જાણ કરાઈ

અમદાવાદ : પૈસાની લેતી દેતીમાં મિત્રોએ ભેગા મળીને સગીર મિત્રનું અપહરણ કર્યું. અપહરણ કર્યા બાદ મિત્રો સગીરને લઈને રાજસ્થાન પહોચ્યાં. જો કે મામાને રૂપીયા આપીને આંગડિયા પેઢીમાં મોકલ્યા બાદ સગીરનો કોઇ પત્તો ના લાગતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. અને પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓેને ઝડપી લીધા છે. આરોપીઓની પુછપરછમાં જે ખુલાસા થયા તે સાંભળી પોલીસ પણ દંગ રહી ગઈ.

અમદાવાદનાં શહેરના ગુજરાત યુનીવર્સિટી ત્રણ રસ્તા પાસેથી હાલમાં જ એક 17 વર્ષનાં સગીરનું અપહરણ થયું હોવાની ફરીયાદ પોલીસને મળતા પોલીસ દોડતી થઈ હતી. અપહરણકર્તાઓને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી. જેમાં સફળતા મળતા જ ગણતરીના કલાકોમાં જ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અને ભોગ બનનાર સગીર મિત્રો જ હતાં. સગીરે પોતાનાં મિત્ર આરોપી પાસેથી કુલ મળીને 9 લાખ 40 હજાર ઉછીના લીધા હતાં. જે રૂપીયા ઓનલાઇન પરત આપવા માટેની વાતચીત થઇ હતી. પરંતુ સગીરે રૂપીયા પરત ના આપતાં તે મેળવવા માટે સગીરનું અપહરણ કરવામાં આવ્યું હતું. અને તેને રાજસ્થાનના નાગોર જીલ્લાના ખીવસેર ગામ ખાતે લઇ ગયા હતાં. જ્યાંથી પરત અમદાવાદ આવતા જ પોલીસે તેઓને ઝડપી પાડ્યાં છે.

આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે જયકિશન ચૌધરી, મેહુલ ભરવાડ અને પૃથ્વી વાઘેલા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરીને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ગાડી પણ કબ્જે કરી છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે સગીરે જયકિશન પાસેથી 5 લાખ, મેહુલ પાસેથી 4 લાખ અને પૃથ્વી પાસેથી 40 હજાર રૂપીયા એમ કુલ 9 લાખ 40 હજાર ઉછીના લીધા હતાં. સગીરે આ રૂપીયા હર્ષ નામના તેનાં અન્ય મિત્રને આપ્યા હતાં. જે યુવકે સગીરને ઉંચો નફો કમાવી આપવાની લાલચ આપીને આ રૂપીયા મેળવી લીધા હોવાનું સામે આવ્યું છે. સગીર તેના મામા સાથે ગુજરાત યુનિવર્સિટી ત્રણ રસ્તા પાસે ગયો હતો. જ્યાં તેણે તેના મામાને હર્ષ નામના યુવકને આંગડિયું કરવા માટે મોકલ્યા હતાં. જો કે જ્યારે તે પરત આવ્યા ત્યારે સગીર ત્યાં મળી આવ્યો ના હતો. અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. જેથી આ બાબતની જાણ તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી પોલીસને કરવામાં આવી હતી.

પકડાયેલ આરોપીમાંથી જયકિશન મોબાઇલની દુકાન ધરાવે છે, મેહુલ ડ્રાઇવીંગનું કામકાજ અને પૃથ્વી ડીલવરી બોય તરીકે કામ કરે છે. આરોપી અને સગીર જીમમાં સાથે જતા હોવાથી મિત્રતા બંધાઇ હતી. જો કે તેણે હર્ષને ક્યા કારણોસર રૂપીયા આપ્યા હતાં. અને હર્ષ કોણ છે તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તેવામાં હર્ષ નામનાં યુવકનાં પકડાયા બાદ લાખો રૂપિયા અંગે ખુલાસા થઈ શકે છે. 

 

(11:26 PM IST)