<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ગુજરાત સ્થાપના દિને ભેટ : રાજપીપળાની રેડક્રોસ શાખા ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર ખુલ્લું મૂકાયુ

આ કાર્યક્રમની શરૂઆતમાં પહેલગાંવમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હૂમલામાં મૃત્યુ પામેલા નાગરિકોને યાદ કરી બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેલી તેની શાખાઓમાં બ્લડ બેંકની સાથે સાથે જેનેરિક મેડિકલ સ્ટોરની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ રહી છે. નર્મદા જિલ્લાના વડામથક રાજપીપલા સ્થિત રેડક્રોસ સોસાયટી ખાતે રાજપીપલામાં ત્રીજું અને રેડક્રોસ સોસાયટીનું સમગ્ર રાજ્યમાં ૮૪મું જન ઔષધી કેન્દ્ર શરૂ થયું છે. જિલ્લા કલેક્ટર અને રેડક્રોસ સોસાયટી નર્મદાના પ્રમુખ એસ.કે. મોદી તથા નાંદોદના ધારાસભ્ય અને રેડક્રોસ સોસાયટી નર્મદાના ચેરપર્સન ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે ગુજરાત સ્થાપના દિવસે આજથી રાજપીપલાના નાગરિકોની સુવિધા માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રને ખુલ્લું મૂકાયું હતું.

   આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, નર્મદા બાહુલ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો હોય વિકાસ માટે આગળ વધવાની કલ્પના સાથે વિકસિત થઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં વર્ષ 2013થી રેડક્રોસ સોસાયટીની સ્થાપના થઈ અને બ્લડ બેન્ક સાથે વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે મદદરૂપ થઈ સતત આગળ ધપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેવાડાના નાગરિકોની પણ સતત ચિંતા કરતા હોય છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને રાહત દરે દવાઓ ઉપલબ્ધ થાય તે માટે દેશભરમાં શરૂ થઈ રહેલા જન ઔષધી કેન્દ્ર પૈકી એક વર્ષ પૂર્વે સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ થયેલું જન ઔષધી કેન્દ્ર જિલ્લાના નાગરિકો માટે આશિર્વાદરૂપ બન્યું છે. હવે રાજપીપલાના નાગરિકોને વધુ એક જન ઔષધી કેન્દ્ર રેડક્રોસ સોસાયટી ખાતે ઉપલબ્ધ થયું છે ત્યારે નાણાંના અભાવે સારવાર લેવાનું ટાળતા નાગરિકો માટે આ ખૂબજ આવકાર્ય પગલું છે.
જિલ્લા કલેક્ટર, નર્મદા એસ.કે.મોદીએ જણાવ્યું કે, રાજપીપલાના નાગરિકો માટે આ એક ભગીરથ કાર્ય થવા જઈ રહ્યું છે. જન ઔષધી કેન્દ્રમાંથી મળતી સસ્તી દવાઓ પ્રત્યે નાગરિકોમાં પ્રવર્તતી માનસિકતાને બદલી જેનેરિક દવાઓ સસ્તી હોવા સાથે ઉચ્ચતમ ગુણવત્તાયુક્ત છે તેવું સૌ નાગરિકોને આ તબક્કે ધ્યાન દોરવું જરૂરી છે. કારણકે, સરકારના સહયોગથી આ જન ઔષધી કેન્દ્રો ચલાવવામાં આવે છે એટલે અહીંથી રાહત દરે દવાઓ ઉપલબ્ધ થાય છે. જન ઔષધી કેન્દ્રનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય અને વધુમાં વધુ નાગરિકો તેનો લાભ લેતા થાય તેના ઉપર વિશેષ ભાર મૂકયો હતો.
  કાર્યક્રમના પ્રારંભે તાજેતરમાં જ પહેલગાંવમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હૂમલામાં મૃત્યુ પામેલા નાગરિકોને યાદ કરી બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
રાજપીપલાની રેડક્રોસ સોસાયટી ખાતે જન ઔષધી કેન્દ્રના પ્રારંભ પ્રસંગે રાજપીપલા નગર પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-ગુજરાતના પ્રોજેક્ટ મેનેજર મિલનભાઈ શાહ, રેડક્રોસ સોસાયટી નર્મદાના ડાયરેક્ટર ડો. ઉમાકાંત શેઠ, રેડક્રોસ સોસાયટી નર્મદાના વાઈસ ચેરમેન દેવેન્દ્રસિંહ પરમાર, મંત્રી જયેશભાઈ દોષી, દાતાઓ, રેડક્રોસ સોસાયટી નર્મદાના સભ્યો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

(12:36 AM IST)