News of Friday, 2nd May 2025
ચંડોળા ડિમોલિશન બાદ ગણેશનગરમાં નવું સંકટ : ગેરકાયદે દબાણનો વધતો ખતરો : સ્થાનિકોમાં આક્રોશ
લાંભા વોર્ડમાં સરકારી જમીન પર ઝુંપડાંનું વધતું દબાણ : પોલીસ - કોર્પોરેટરોની નિષ્ક્રિયતા સામે રોષ

અમદાવાદ, 02 મે 2025: ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરાયેલા મોટા પાયે ડિમોલિશન બાદ ગેરકાયદે બાંધકામો તૂટી ગયા છે, પરંતુ આની અસર હવે લાંભા વોર્ડના ગણેશનગરમાં જોવા મળી રહી છે. ચંડોળાથી ખાલી થયેલા લોકો ગણેશનગરની સરકારી જમીન પર ગેરકાયદે ઝુંપડાં બનાવી રહ્યા હોવાની ફરિયાદ સ્થાનિક રહીશોએ ઉઠાવી છે. જોકે, નારોલ પોલીસ અને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ રહી છે.
સ્થાનિકોની ચિંતા અને નિષ્ક્રિયતા સામે રોષ:
લાંભાના પૂર્વ સરપંચ રમણભાઈ ભરવાડે જણાવ્યું કે, ગણેશનગરમાં સરકારી જમીન પર હાલમાં લગભગ 5,000 ઝુંપડાં ગેરકાયદે બાંધવામાં આવ્યા છે. ચંડોળા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદે બાંધકામો હટાવાયા બાદ આ લોકો ગણેશનગરમાં સ્થાયી થઈ રહ્યા હોવાથી દબાણની સમસ્યા વધુ ગંભીર બનવાની શક્યતા છે. સ્થાનિકોએ આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટરો જશોદાબેન અમિલાયાર, ડૉ. ચાંદની પટેલ, કાળુ ભરવાડ અને માનસિંગ સોલંકીને જાણ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નોંધપાત્ર પગલાં લેવાયા નથી. આ નિષ્ક્રિયતાને કારણે ગણેશનગરના રહીશોમાં નારાજગી વધી રહી છે.
સ્થાનિકોનું કહેવું છે કે ગેરકાયદે દબાણના કારણે વિસ્તારમાં સુરક્ષા અને સ્વચ્છતાની સમસ્યાઓ વધી શકે છે. નિષ્ણાતોના મતે, ચંડોળા ડિમોલિશન બાદ વૈકલ્પિક વસવાટની વ્યવસ્થા ન થતાં આવી સમસ્યાઓ ઉભી થઈ રહી છે. સરકાર અને AMCને આ મુદ્દે તાત્કાલિક પગલાં લઈને ગણેશનગરમાં દબાણ અટકાવવા અને સ્થાનિકોની ચિંતાઓ દૂર કરવા જરૂરી છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
