તા. ૧૦ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૮ મંગળવાર
News of Friday, 2nd May 2025
ચંડોળા તળાવ ડિમોલિશન અચાનક ખોરંભે : રાજકીય દબાણ કે અન્ય કારણ?
લલ્લા બિહારીના ગેરકાયદે બાંધકામોનો મામલો ગરમાયો : ઝડપાયેલા દસ્તાવેજો ખોલશે રહસ્યો

અમદાવાદ, તા. 2 મે, 2025: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડવા માટે શરૂ કરાયેલી ડિમોલિશનની કામગીરી ગુરુવારે અચાનક સ્થગિત થતાં અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે. ‘મિની બાંગ્લાદેશ’ તરીકે કુખ્યાત આ વિસ્તારમાં મિલ્લતનગર ખાતે 10 રૂમ અને એક ગોડાઉન તોડ્યા બાદ બુલડોઝરની કામગીરી રાતોરાત બંધ કરવામાં આવી. અત્યાર સુધીમાં 2 લાખ ચોરસ મીટરની જગ્યામાંથી માત્ર 1.50 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોની સાથે ધાર્મિક સ્થળો અને વર્ષોથી રહેતા લોકોના ઘરો તોડવાનો વિરોધ કરતાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆતો બાદ રાજ્ય સરકારના એક મંત્રીએ ચંડોળા તળાવની મુલાકાત લઈને ડિમોલિશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ યોજાયેલી બેઠકમાં કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હોવાનું મનાય છે, જોકે આ બેઠકમાં કઈ સૂચનાઓ આપવામાં આવી તે અંગે સ્પષ્ટતા નથી.
આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોનો મામલો લાંબા સમયથી ચર્ચામાં છે. કુખ્યાત લલ્લા બિહારીએ ચંડોળા તળાવની જમીન પર પાર્ટી પ્લોટ, ગોડાઉન, પાર્કિંગ અને દુકાનો સહિતનાં ગેરકાયદે બાંધકામો કર્યા હોવાની ફરિયાદ 2022માં સ્થાનિકોએ રાજ્યપાલ અને તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે લલ્લા બિહારીએ રોજ 40 ટ્રેક્ટર દ્વારા પુરાણ કરીને આ બાંધકામો ઉભા કર્યા છે. રાજ્યપાલે શહેરી વિકાસ વિભાગને કાર્યવાહીની ભલામણ કરી હતી, અને મુખ્યમંત્રી કાર્યાલયે પણ આદેશ આપ્યા હતા, પરંતુ આજ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી.
ડિમોલિશન દરમિયાન ચંડોળા તળાવમાંથી હટાવાયેલા લોકો ત્રણ કિલોમીટર દૂર લાંભા વોર્ડના ગણેશનગર વિસ્તારમાં સ્થળાંતર કરી રહ્યા છે. રાત્રે મોટી સંખ્યામાં લોકો સામાન સાથે આ વિસ્તારમાં આવી રહ્યા છે. સ્થાનિકોએ આ અંગે કોર્પોરેટર અને પોલીસને ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં નારાજગી વ્યાપી છે.
લલ્લા બિહારીના ગેરકાયદે સામ્રાજ્યની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચને ચોંકાવનારી માહિતી મળી છે. તેના પુત્ર ફતેહ મહંમદની પૂછપરછમાં લલ્લા બિહારીના પાંચ મકાનોનાં સરનામાં મળ્યાં. તેની ચાર પત્નીઓના અલગ-અલગ મકાનોમાંથી પોલીસે નાણાં ગણવાનું મશીન, ભાડા કરાર, મકાનોના દસ્તાવેજો, મોટી રોકડ રકમ અને સોનાના દાગીના જપ્ત કર્યા છે. લલ્લા બિહારી રાજસ્થાનમાં એક પ્રસંગમાં ગયો હોવાની માહિતી મળતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી, પરંતુ તે હાથ લાગ્યો નથી.
આ ઘટનાએ ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો અને ગુનાહિત પ્રવૃત્તિઓના મુદ્દે ફરી એકવાર ચર્ચા જગાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે, અને સ્થાનિકોને શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરવા અપીલ કરી છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
