<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

રાજ્ય સરકારનો શિક્ષકો માટે પ્રોત્સાહક નિર્ણય : શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રાથમિક શિક્ષકોને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’થી સન્માનિત કરાશે

ઉત્તમ શૈક્ષણિક કાર્ય, નવીન પ્રયોગો અને સામાજિક યોગદાન જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય શિક્ષકોને 15મી ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાએ અપાશે સન્માન : ક્લસ્ટર દીઠ એક શિક્ષકની પસંદગી કરાશે

ગાંધીનગર : રાજ્યના પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને તેમના ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, શિક્ષણમાં નવીન પ્રયોગો અને સામાજિક યોગદાન જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન બદલ પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુથી રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આવા શિક્ષકોને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપીને સન્માનિત કરવામાં આવશે. આ સન્માન આગામી 15મી ઓગસ્ટ, 2025 ના રોજ જિલ્લા કક્ષાએ આયોજિત કાર્યક્રમમાં એનાયત કરવામાં આવશે, એમ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
યાદી અનુસાર, રાજ્યના દરેક ક્લસ્ટરમાંથી એક શ્રેષ્ઠ શિક્ષક અથવા મુખ્ય શિક્ષકની પસંદગી કરવામાં આવશે. આ પસંદગી આગામી શૈક્ષણિક વર્ષના મૂલ્યાંકનના આધારે કરવામાં આવશે અને તેમને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’થી નવાજવામાં આવશે.
પ્રતિભાશાળી શિક્ષકની પસંદગીની પ્રક્રિયા:
આ સન્માન માટે શિક્ષકની કોઈ ન્યૂનતમ સેવા અવધિ ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને સેવાકાળ દરમિયાન શિક્ષકને આ પ્રમાણપત્ર માત્ર એક જ વખત મળવાપાત્ર રહેશે. મૂલ્યાંકનના કુલ 100% ભારાંકમાંથી 80% ગુણ જિલ્લા કક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઉપલબ્ધ ડેટાના આધારે નક્કી કરવામાં આવશે. આ ડેટામાં શિક્ષકની હાજરી, તેમના ધોરણના વિદ્યાર્થીઓની હાજરી, એકમ કસોટીનું ગુણાંકન, ગુણોત્સવ અને શાળા માન્યતાનું મૂલ્યાંકન, સત્રાંત પરીક્ષાનું પરિણામ અને વાર્ષિક પરીક્ષાનું પરિણામ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
બાકીના 20% ભારાંક માટે શિક્ષક દ્વારા કરવામાં આવેલા વિશિષ્ટ કાર્યોનું મૂલ્યાંકન કરવામાં આવશે. આમાં અન્ય કોઈપણ રીતે આપેલ સામાજિક અને શૈક્ષણિક બાબતોમાં શિક્ષકની સહભાગિતા અને છેલ્લા પાંચ વર્ષમાં કરેલા વિશિષ્ટ કાર્યો જેવા કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં લેખ લખવા, વાર્ષિક મૂલ્યાંકન, શાળાકીય પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લેવો અને નિયમિત તાલીમ મેળવવી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
પ્રતિભાશાળી શિક્ષકની પસંદગી માટે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સી.આર.સી. દ્વારા ત્રણ નામોની યાદી તૈયાર કરવામાં આવશે અને તેને તાલુકા સમિતિ સમક્ષ મૂકવામાં આવશે. તાલુકા સમિતિ આ તમામ હકીકતોને ધ્યાનમાં લઈને તટસ્થ રીતે એક નામની પસંદગી કરશે. તાલુકા સમિતિ દ્વારા પસંદ કરાયેલા નામો જિલ્લા કક્ષાએ એકત્રિત કરીને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને મોકલવામાં આવશે. પ્રતિભાશાળી શિક્ષકોની પસંદગીના નામોની અંતિમ જાહેરાત પ્રાથમિક શિક્ષણ નિયામકની કક્ષાએથી કરવામાં આવશે.
શિક્ષકોની પસંદગી તેમની આગળના શૈક્ષણિક વર્ષના મૂલ્યાંકનના આધારે ત્યારબાદના શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં એટલે કે જુલાઈ મહિનામાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે શિક્ષકોની પસંદગી પ્રક્રિયામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કન્વીનર તરીકે, બ્લોક રિસોર્સ કોર્ડીનેટર સભ્ય સચિવ તરીકે અને કેળવણી નિરીક્ષક, સંબંધિત તાલુકાના લાયઝન અધિકારી – જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નિવૃત્ત એવોર્ડી શિક્ષક અથવા જિલ્લામાં એવોર્ડી શિક્ષક ઉપલબ્ધ ન હોય તો સેવારત એવોર્ડી શિક્ષક સભ્ય તરીકે જોડાશે. ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ માટે પસંદગી પામેલા શિક્ષકોના પ્રમાણપત્રને ભવિષ્યમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટેના માપદંડમાં પણ ધ્યાને લેવામાં આવી શકશે.

 

(4:25 PM IST)