News of Friday, 2nd May 2025
વૈશ્વિક એરંડા બજારમાં ગુજરાતની સર્વોપરિતા અકબંધ
વર્ષ ૨૦૨૪-૨૫માં ૬.૪૬ લાખ હેક્ટર વાવેતર સાથે ગુજરાતે ચાર દાયકાથી દેશમાં પ્રથમ સ્થાન જાળવ્યું : કડી વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદકતા ધરાવતો વિસ્તાર

ગાંધીનગર: ગુજરાત રાજ્યે સમગ્ર વિશ્વના એરંડા બજારમાં પોતાની સર્વોપરિતાને વધુ એક વખત સાબિત કરી છે. વર્ષ ૨૦૨૪-૨૫માં રાજ્યમાં કુલ ૬.૪૬ લાખ હેક્ટર વિસ્તારમાં એરંડાનું વાવેતર થયું છે, જે દેશમાં સૌથી વધુ છે. આ સાથે જ ગુજરાતે સતત ચાર દાયકાથી દેશમાં પ્રથમ ક્રમે રહેવાનો પોતાનો અનુક્રમ જાળવી રાખ્યો છે. ભારતના કુલ એરંડા ઉત્પાદનમાં ૮૧.૪૨ ટકાથી વધુનો ફાળો ગુજરાતનો છે, જે રાજ્યને દેશનું સૌથી મોટું એરંડા ઉત્પાદક બનાવે છે. ગુજરાતના એરંડા અને દિવેલની વિશ્વસનીયતા અને ઉચ્ચ ગુણવત્તા વૈશ્વિક બજારમાં આજે પણ અકબંધ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કૃષિ ક્ષેત્રને વૈજ્ઞાનિક રીતે વિકસાવવા પર ભાર મૂક્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે કરેલા માળખાકીય અને નીતિગત પ્રયાસોથી ગુજરાતનું કૃષિ ક્ષેત્ર વિકાસ પામ્યું છે. વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યનું એરંડા ક્ષેત્ર વધુ મજબૂત બન્યું છે.
ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત મોખરે:
વર્ષ ૨૦૦૩માં રાજ્યમાં એરંડાનો વાવેતર વિસ્તાર ૨.૯૦ લાખ હેક્ટર હતો, જે ૨૦૨૪-૨૫માં વધીને ૬.૪૬ લાખ હેક્ટર થયો છે. વાવેતર વિસ્તારની સાથે ઉત્પાદન અને ઉત્પાદકતામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ ૨૦૦૩માં એરંડાનું ઉત્પાદન ૫.૪૧ લાખ મેટ્રિક ટન હતું, જે ૨૦૨૪માં વધીને ૧૫.૯૫ લાખ મેટ્રિક ટન થયું છે. ઉત્પાદકતાની વાત કરીએ તો, વર્ષ ૨૦૦૩માં પ્રતિ હેક્ટર ૧,૮૬૪ કિલોગ્રામ હતી, જે ૨૦૨૪માં વધીને ૨,૨૦૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટર થઈ છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલનો પ્રતિભાવ:
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે ગુજરાત એરંડાના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં દાયકાઓથી પ્રથમ સ્થાને છે, જેનું મુખ્ય કારણ રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો અને સરકારની ખેડૂતલક્ષી નીતિઓ છે. ખેડૂતો ઉચ્ચ ગુણવત્તાવાળી સુધારેલી અને હાઇબ્રિડ જાતોનું વાવેતર કરી રહ્યા છે. મહેસાણા જિલ્લાનો કડી વિસ્તાર વિશ્વમાં એરંડાની સૌથી વધુ ઉત્પાદકતા ધરાવે છે. આ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ખેડા, વડોદરા, રાજકોટ, જામનગર અને ગાંધીનગર જિલ્લામાં પણ એરંડાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે.
એરંડાના મહત્વપૂર્ણ ઉપયોગો:
ભારતીય એરંડામાં તેલનું પ્રમાણ લગભગ ૪૮ ટકા હોય છે, જેમાંથી ૪૨ ટકા તેલ કાઢવામાં આવે છે. આ તેલમાં રિસિનોલેઇન નામના ટ્રાઇગ્લિસરાઇડ્સ ભરપૂર હોય છે, જેના કારણે તેનો ઉપયોગ પેઇન્ટ્સ, લુબ્રિકન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, કોસ્મેટિક્સ, કાગળ, રબર અને ખાદ્ય ઉમેરણો જેવા વિવિધ ઉદ્યોગોમાં થાય છે. વધુમાં, તેનો ઉપયોગ હાઇ-સ્પીડ એન્જિન અને વિમાનોમાં લુબ્રિકન્ટ તરીકે, બાયો ડીઝલમાં અને ઔષધીય કામોમાં પણ વધ્યો છે. તેલ કાઢ્યા બાદ બચેલો ખોળ કાર્બનિક ખાતર તરીકે વપરાય છે. ભારત સહિત પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશમાં ખાદ્યાન્નને સડતા અટકાવવા માટે એરંડાનું તેલ લગાવવામાં આવે છે.
નોંધનીય છે કે ભારત આજે વૈશ્વિક માંગના ૯૦ ટકા જેટલા એરંડાનું ઉત્પાદન કરે છે, જેમાં ગુજરાતનો ફાળો ૮૧ ટકા છે. વર્ષ ૧૯૬૦માં વિશ્વનું કુલ ઉત્પાદન ૫.૮ લાખ મેટ્રિક ટન હતું, જેમાં ભારતનો ફાળો ૧.૦૯ લાખ મેટ્રિક ટન હતો. જ્યારે, વર્ષ ૨૦૨૦માં વૈશ્વિક ઉત્પાદન ૨૦.૫ લાખ મેટ્રિક ટન નોંધાયું હતું, જેમાં ભારતનો ફાળો ૧૮.૪૨ લાખ મેટ્રિક ટન હતો.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
