<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

વડોદરામાં CMના કાર્યક્રમમાં તળાપીટ બોલી : પીડિત મહિલાઓની રજૂઆત પર પોલીસે કરી કડક કાર્યવાહી :જુઓ વિડીયો

હરણી બોટકાંડના પીડિતોએ ઉઠાવ્યો આવાસ યોજનાનો મુદ્દો : મુખ્ય પ્રધાને આપ્યું મળવાનું આશ્વાસન

વડોદરા, તા. 02 મે 2025: CM ભૂપેન્દ્રભાઈ પટેલની વડોદરા મુલાકાત દરમિયાન એક જાહેર કાર્યક્રમમાં નાટકીય ઘટનાઓ સર્જાઈ હતી. હરણી બોટકાંડની બે પીડિત મહિલાઓએ મુખ્ય પ્રધાનના સંબોધન વચ્ચે આવાસ યોજના અને અન્ય ફરિયાદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, જેના પર પોલીસે તેમને બળજબરીથી કાર્યક્રમમાંથી બહાર લઈ જવાની કાર્યવાહી કરી હતી. મુખ્યમંત્રી ને આ મહિલાઓને મળવા માટે સોમવારે સમય ફાળવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન સંધ્યા નિઝામા અને સરલા શિંદે નામની બે મહિલાઓએ ઉભા થઈને જણાવ્યું કે, હરણી બોટકાંડ બાદ દોઢ વર્ષથી તેઓ મુખ્યમંત્રીને મળવા માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને કોઈ મળવા દેતું નથી. તેમણે આવાસ યોજના હેઠળ મકાન ફાળવણીમાં થઈ રહેલા વિલંબનો મુદ્દો પણ ઉઠાવ્યો. આના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું, "તમે કોઈ યોજનાબદ્ધ રીતે આવ્યા છો. મને મળીને વાત કરો. સોમવારે આવો, આજે પણ હું મળવા તૈયાર છું."

જોકે, કાર્યક્રમના અંતે જ્યારે આ મહિલાઓએ ફરીથી પોતાની વાત રજૂ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે તેમને જબરજસ્તીથી બહાર લઈ ગઈ. આ ઉપરાંત, મહિલાઓના પતિ કલ્પેશ નિઝામા અને પંકજ શિંદેને પણ પોલીસે હેઠળ લીધા હતા. બાદમાં મુખ્યમંત્રીએ આ બંને મહિલાઓને વ્યક્તિગત રીતે મળવા બોલાવી હતી.

આ ઘટના બાદ કલ્પેશ નિઝામાએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું, "અમે અમારા બાળકો ગુમાવ્યા છે, શું એટલે અમે ગુનેગાર છીએ? અમારી વાત સાંભળવાને બદલે અમને નજરકેદ કરવામાં આવે છે. પોલીસનું આવું વલણ અયોગ્ય છે."

આ ઘટના પહેલાં મુખ્યમંત્રીએ વડોદરામાં વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવા માટે સર્કિટ હાઉસ ખાતે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ તેમણે મંગલપાંડે રોડ નજીક વિશ્વામિત્રી નદીના કાંઠે ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયરે પ્રોજેક્ટની વિગતવાર માહિતી રજૂ કરી હતી.

આ ઘટનાએ એક તરફ પીડિતોની વેદના અને બીજી તરફ વહીવટી તંત્રના અભિગમ પર સવાલો ઉભા કર્યા છે. પીડિતોની ફરિયાદોના નિરાકરણ માટે વધુ સંવેદનશીલ અભિગમની જરૂરિયાત ઉજાગર થઈ છે.

 

(1:59 PM IST)