<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ધોલેરા SIR ને 'સેમીકોન સિટી' બનાવવાનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું વિઝન: વિકાસ કાર્યોની પ્રગતિની સ્થળ પર સમીક્ષા

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેની 95% કામગીરી પૂર્ણ; ભીમનાથ-ધોલેરા ફ્રેઈટ રેલવે લાઇન, હોસ્પિટલ, સ્કૂલ, ફાયર સ્ટેશન સહિતના પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધી રહ્યા છે; ટાટા ઇલેક્ટ્રોનિક્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લઈ મુખ્યમંત્રીએ પ્રોજેક્ટ્સની પ્રગતિની માહિતી મેળવી.

ધોલેરા: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) ના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સની સ્થળ મુલાકાત લઈ પ્રત્યક્ષ સમીક્ષા કરી હતી. મુખ્ય સચિવ અને મુખ્ય સલાહકાર સહિતના વરિષ્ઠ સચિવો સાથે ધોલેરાના વિવિધ પ્રોજેક્ટ્સની તલસ્પર્શી માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વિવિધ વિકાસલક્ષી કાર્યોના મોટા પ્રોજેક્ટ્સની પ્રગતિ અને કામગીરીના નિરીક્ષણ તથા જરૂરી માર્ગદર્શન માટે આવા પ્રોજેક્ટ્સની સાઈટ મુલાકાતનો ઉપક્રમ શરૂ કર્યો છે. આ ઉપક્રમને આગળ ધપાવતાં, તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાતમાં આકાર પામી રહેલા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના ધોલેરા SIR અને સ્માર્ટ સિટીના વિવિધ વિકાસ કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા માટે ધોલેરામાં રીવ્યુ બેઠક પણ યોજી હતી.
આ રીવ્યુ બેઠકમાં ધોલેરા SIR ના સીઈઓ અને ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના એમડી કુલદીપભાઈ આર્યએ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ સચિવો સમક્ષ વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
મુખ્યમંત્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં માળખાકીય સુવિધાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અંગેની વિગતો આપતા જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેની 95 ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બાકી રહેલી કામગીરી અંગેની વિગતો મેળવવા સાથે આ કામો સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. ધોલેરામાં રોડ રસ્તા, અંડર ગ્રાઉન્ડ ફેસિલિટીઝ, પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ સુવિધા પૂરી થઈ ગઈ છે અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ICT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ABCD બિલ્ડિંગ જેવી માળખાકીય સુવિધાના કામો પણ પૂર્ણ થઈ ગયા છે. તેમજ 300 મેગાવોટનો સોલાર પાર્કની પણ કામગીરી પૂરી થઈ છે, તેની વિગતો સીઈઓ કુલદીપભાઈ આર્યએ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી.
ધોલેરા SIR માં જે કાર્યો પ્રગતિ હેઠળ છે તેની વિગતો પ્રેઝન્ટેશનમાં આપતા જણાવવામાં આવ્યું હતું કે, ભીમનાથ ધોલેરા ફ્રેઈટ રેલવે લાઇન, 192 બેડની હોસ્પિટલ, 12માં ધોરણ સુધીની શાળા, ફાયર સ્ટેશન અને ઇન્વેસ્ટર્સ માટે આવાસીય સુવિધાના કામો હાલ ચાલી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનાવવાની નેમ રાખી છે. ગુજરાત પણ તેમાં સૂર પુરાવતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દેશનું સેમિકન્ડક્ટર બનવા માટે સેમિકન્ડક્ટર ઉત્પાદનની ઇકો સિસ્ટમ સાથે સજ્જ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીના દિશાદર્શનમાં ધોલેરા સ્માર્ટ સિટીને “સેમીકોન સિટી” તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
રાજ્ય સરકારે ધોલેરા સ્માર્ટ સિટીમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ઇકો સિસ્ટમ ઊભી કરવાની જે મુહિમ ઉપાડી છે તેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિકન્ડક્ટર નિર્માતા ઉદ્યોગ-કંપનીઓ પોતાના યુનિટ્સ સ્થાપી રહી છે. ધોલેરા SIR ખાતે પ્રગતિમાં હોય તેવા 12 જેટલા પ્રોજેક્ટ્સ ડેવલપર્સે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ પોતાના પ્રોજેક્ટ્સની પ્રગતિ તેમજ બાંધકામ આયોજન સહિતના ભવિષ્યના રોડમેપનું પ્રેઝન્ટેશન કર્યું હતું.
ટાટા ઇલેક્ટ્રોનિક્સનો જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ ધોલેરા સેમિકોન સિટીમાં સ્થાપવામાં આવ્યો છે તે પ્લાન્ટ પ્રગતિ અને નિર્માણની સ્થિતિની સમીક્ષા પણ મુખ્યમંત્રીએ ટાટાના અધિકારીઓ સાથેની બેઠકમાં કરી હતી અને પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ધોલેરા સેમિકોન સિટીમાં નિર્માણાધીન હોસ્પિટલ, સ્કૂલ, ફાયર સ્ટેશન, રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ, ટેન્ટ સિટી અને ફૂડ કોર્ટ સહિતના સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. તેમણે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની પણ સ્થળ મુલાકાત લઈને ₹1350 કરોડના અંદાજિત ખર્ચ સાથે નિર્માણ થઈ રહેલા કાર્ગો બિલ્ડિંગ, ટર્મિનલ બિલ્ડિંગ અને રન-વે નિર્માણની કામગીરીની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીની આ ધોલેરા SIR ની સ્થળ મુલાકાતથી ધોલેરા ઓથોરિટી તેમજ તેની SPV ના અધિકારીઓ-કર્મચારીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળ્યા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ધોલેરાની આ સમગ્ર સ્થળ મુલાકાત અને સાઈટ વિઝિટમાં મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખભાઈ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, સલાહકાર એસ. એસ. રાઠોર તેમજ ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, વિજ્ઞાન અને પ્રદ્યોગિક વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, અમદાવાદ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(5:27 PM IST)