News of Friday, 2nd May 2025
ગુજરાતમાં ૩ થી ૬ મે દરમિયાન અચાનક હવામાન પલટો : અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી
હળવાથી મધ્યમ વરસાદ : વીજળીના ચમકારા અને તીવ્ર પવનની શક્યતા : હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે એલર્ટ

અમદાવાદ: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં અચાનક હવામાનમાં ફેરફારની આગાહી કરી છે. વિભાગ અનુસાર, ૩ મે થી ૬ મે ૨૦૨૫ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ, વીજળીના ચમકારા અને ૩૦થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાઈ શકે છે.
૩ મે, શુક્રવાર:
આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવું વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે ૩૦થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
૪ મે, શનિવાર:
શનિવારે પણ હવામાનની પરિસ્થિતિ મોટાભાગે આજ પ્રકારની રહેવાની સંભાવના છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.
૫ મે, રવિવાર:
રવિવારથી વરસાદની અસર વધુ વિસ્તૃત થવાની અને રાજ્યના વધુ વિસ્તારોને આવરી લેવાની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા-નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દિવ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.
હવામાન વિભાગે લોકોને સલામત સ્થળોએ રહેવા અને વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. ખેડૂતોને પણ પોતાના પાકને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
