News of Saturday, 3rd May 2025
તલના તેલનું સેવન કરવાથી વજનમાં વધારો અને ઘટાડો પણ કરી શકાય
મેદસ્વિતા ઘટાડવા માટે જિલ્લા આયુર્વેદ વિભાગે પણ કમર કસી મેદસ્વિતા ઘટાડવાના અભિયાનમાં ૧૦ ટકા ખોરાક ઓછો લેવાની અપીલ

અમદાવાદ,તા.૦૩: જંકફુડ આરોગવાના વધતા પ્રમાણની સાથે લોકોના આહાર માટેની નક્કી કરેલી જીવન શૈલી નહીં હોવાના લીધે મેદસ્વિતાના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. આજ કારણોસર હાર્ટને લગતી પણ સમસ્યા થઇ રહી છે. તેના નિરાકરણ માટે અને લોકોનુ સ્વાસ્થય સારુ રહે તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા મેદસ્વિતા ઘટાડવા માટેનુ અભિયાન શરુ કર્યુ છે. તે અંતર્ગત સુરત જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા પણ અલગ અલગ કાર્યક્રમ થકી લોકોને જાગળત કરવામાં આવનાર છે. સાથે સાથે સુરત જિલ્લાના અનેક ગામોમાં તેને લગતા કેમ્પ કરીને મેદસ્વિતા ઘટાડવા માટે કેવો આહાર લેવો તે સહિતની જાણકારી આપવામાં આવનાર છે.
આ અંગે સુરત જિલ્લા આયુર્વેદ અધિકારી મિલન દશોંદીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં એન.સી.પી એટલે કે નોન કોમ્યુનિકેબલ ડીસીઝ એટલે ચેપ વગરની બીમારીઓ વધી રહી છે. જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓ સામેલ છે. મેદસ્વિતાના કારણોમાં સૌથી પહેલું અને મોટું કારણ બેઠાડું જીવન અને કસરતનો અભાવ મુખ્ય છે. જેથી આ દિશામાં પગલાં લઈ રાજ્ય સરકાર જનહિતમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનું એક મહત્વનું પગલું લઈ રહી છે. તેના માટે ભુખ લાગી હોય તો ૧૦ ટકા આહાર ઓછો લેવા માટેની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત તલના તેલના ઉપયોગથી મેદસ્વિતા સામે લડવામાં ઘણી મદદ મળે છે. તેનું કારણ એવું પણ છે કે તલનું તેલ પાતળા માણસને જાડા કરવા અને જાડાને પાતળા કરી શકવા સક્ષમ છે.
મેદસ્વિતાની સીધી અસર
હાડકા પર થવાનું તારણ
મેદસ્વિ વ્યક્તિએ કોઈપણ બીમારીમાં અન્ય કરતાં વધારે હેરાન થવું પડે છે. કોઈપણ બીમારીનો ઈલાજ સહેલાઈથી થઈ શકતો નથી. સ્થુળતાની સીધી અસર હાડકા પર થાય છે, જેમ સ્થૂળતા વધે તેમ હાડકા નબળા પડે છે, અને શરીર રોગોનું ઘર બનતું જાય છે. તેના માટે લોકો ઝડપથી જાગળત થાય તે માટે સતત પ્રયાસો કરવામાં આવનાર છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
