News of Saturday, 3rd May 2025
માહિતી અધિકાર હેઠળ પુષ્કળ માહિતી માંગનારને રેકર્ડ નિરીક્ષણ માટે રૂબરૂ બોલાવી જરૂર પૂરતી જ માહિતી માંગવા તક અપાશે
સરકારનો પરિપત્રઃ સમય, શકિત, સામગ્રી બચશે અને સંઘર્ષની શકયતા ઘટશે

રાજકોટ તા.૩: ગુજરાત સરકારે સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ વી.એન. શાહની સહીથી માહિતી અધિકાર સબંધે જાહેર માહિતી અધિકારીઓએ અનુસરવાની કાર્યપધ્ધતિ અંગે પરિપત્ર પ્રસિધ્ધ કર્યો છે. અમૂક અરજદારો જાણકારીના અભાવે અથવા અન્ય કોઇ કારણસર ખૂબ વિસ્તૃત માહિતી માંગતા હોય છે. માહિતી અધિકારી તે આપવાની ના પાડે ભારે સંઘર્ષ અને અપીલની પરિસ્થિતિ ઉભી થઇ શકે છે. તેના કારણે તંત્ર પર કામનું ભારણ વધે છે. આવી પરિસ્થિતિ નિવારવા સરકારે માહિતી અધિકારી અને માહિતી આયોગને લાગુ પડે તેવો પરિપત્ર પ્રસિધ્ધ કર્યો છે. તે મુજબ વધુ પડતી માહિતી માંગનાર અરજદારને સબંધિત કચેરીએ રેકર્ડ નિરીક્ષણ માટે રૂબરૂ બોલાવી પોતાને જરૂરી હોય એટલી જ માહિતી માંગવા કહેવાશે.
અરજદાર વિસ્તૃત માહિતી માંગવાના બદલે જરૂર પૂરતી માહિતી માંગે તો તંત્ર પર કામનું ભારણ ઘટશે. સમયનો બચાવ થશે. તેમજ કાગળ જેવી સામગ્રીનો વપરાશ ઘટશે તેમ સરકારી સૂત્રોનું કહેવું છે.
પરિપત્રમાં જણાવાયું છે કે, અરજદાર દ્વારા અધિનિયમની કલમ-૬(૧) અને નમુના-ક'ના ક્રમ નં. (૩)ની જોગવાઇઓ અનુસાર જોઇતી માહિતીની ચોક્કસ વિગતો તથા ર સમયગાળો દર્શાવીને માહિતી માંગવામાં આવેલ હોય અને તેવી અરજીઓની માહિતી આપવાથી જાહેર સત્તામંડળનાસ્ત્રોતો (માનવબળ તથા અન્ય સંસાધનો) નો અપ્રમાણસર ઉપયોગ થતો હોય તો, અરજદારને બિનજરૂરી માહિતી માટે નિયત નકલ ફી ભરવી ન પડે તથા જાહેર સત્તામંડળનાસ્ત્રોતોનો અપ્રમાણસર ઉપયોગ ટાળી શકાય તે હેતુસર, અધિનિયમની કલમ-૮, કલમ-૯, કલમ-૧૦ અને કલમ-૨૪ ની જોગવાઇઓને ધ્યાનમાં રાખીને આપવા પાત્ર માહિતી અંગે અંગે નીચે મુજબ કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
જાહેર માહિતી અધિકારીએ નમુના-‘‘ક'' ની અરજી મળ્યાની તારીખથી શકય તેટલી જલદી અરજદારને અધિનિયમની કલમ-૮, કલમ-૯, કલમ-૧૦ અને કલમ-૨૪ ની જોગવાઈઓ ધ્યાને લઇને આપવાપાત્ર માહિતીના રેકર્ડના સ્વ-નિરીક્ષણ માટે બોલાવવાના રહેશે. અરજદારે રેકર્ડના સ્વ-નિરીક્ષણ બાદ જાહેર માહિતી અધિકારીને લેખિતમાં જોઇતી ચોકકસ માહિતીની જાણ કરવાની રહેશે.. અરજદાર દ્વારા લેખિતમાં જોઇતી ચોકકસ માહિતીની જાણ થયા બાદ, જાહેર માહિતી અધિકારીએ જોઇતી માહિતીની નકલ ફીની ચૂકવણી માટે અરજદારને જણાવવાનું રહેશે.. અરજદાર દ્વારા નકલ ફીની ચૂકવણી કરવામાં આવ્યા બાદ તેની જાણ જાહેર માહિતી અધિકારીને કરવાની રહેશે. નકલ ફી ની ચૂકવણીની જાણ થયા બાદ જાહેર માહિતી અધિકારીએ આપવાપાત્ર માહિતી પુરી પાડવાની રહેશે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
