News of Saturday, 3rd May 2025
ગુજરાત સ્થાપના દિવસે સહકાર વિભાગનું ભવ્ય 'સ્વચ્છતા મેં સહકાર' અભિયાન : 25,000 ધાર્મિક સ્થળોએ સફાઈ : 50 હજાર કિલો કચરો એકત્રિત
'આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025'ની ઉજવણી રૂપે રાજ્યના 252 તાલુકાના 13,000 ગામોમાં જનભાગીદારીથી સ્વચ્છતા અભિયાન : 1.5 લાખથી વધુ લોકો અને 15 હજાર સહકારી સંસ્થાઓ જોડાઈ

ગાંધીનગર: ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે, 1 મે, 2025ના રોજ રાજ્યના સહકાર વિભાગ અને સહકારી સંસ્થાઓ દ્વારા 'આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025'ની ઉજવણીના ભાગરૂપે 'સ્વચ્છતા મેં સહકાર' અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના 'સ્વચ્છતા મેં સહકાર' વિઝનને સાકાર કરતા આ અભિયાન હેઠળ રાજ્યના 252 તાલુકાઓના 13,000 ગામડાઓમાં આવેલા 25,000 ધાર્મિક સ્થળોએ વિવિધ સફાઈલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
આ અભિયાનમાં શાળાઓના શિક્ષકો, આચાર્યો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સરપંચો અને ઉપસરપંચો તેમજ અન્ય સભ્યો સહિત અંદાજે 1,50,000 ગ્રામ્યજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત, 15,000 જેટલી સહકારી સંસ્થાઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય યોગદાન આપ્યું હતું. ટ્રેક્ટર, પાવડા, સાવરણા, ડોલ, કચરાપેટી અને સૂપડા જેવા 5 લાખથી વધુ સફાઈ સંસાધનોનો ઉપયોગ કરીને આ અભિયાનમાં કુલ 50,000 કિલોગ્રામ કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.
સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સહકારના માધ્યમથી સમાજમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. આ પ્રસંગે ધાર્મિક આગેવાનો, સ્થાનિક પ્રતિનિધિઓ અને સહકારી આગેવાનોએ ઉપસ્થિત રહીને સહકાર દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ લીધો હતો.
આ ભવ્ય અભિયાનમાં રાજ્યના સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર શ્રી નીલેશ ઉપાધ્યાય, તમામ જિલ્લા રજિસ્ટ્રારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાની સહકારી સંસ્થાઓ, સહકારી આગેવાનો, હિતધારકો તેમજ અમૂલ, ગુજરાત રાજ્ય સહકારી બેંક, ગુજરાત રાજ્ય સહકારી સંઘ, દૂધ સંઘો, દૂધ મંડળીઓ અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓના સભ્યો અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
વધુમાં, સાંસદ (રાજ્યસભા) શ્રી નરહરિભાઈ અમીન, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ અને અન્ય ઉચ્ચ પદાધિકારીઓ ઉપરાંત 3,000થી વધુ સહકારી અગ્રણીઓ અને આશરે 200થી વધુ એપીએમસીના ચેરમેન અને અન્ય આગેવાનો પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. આમ, 'સ્વચ્છતા મેં સહકાર' અભિયાન દ્વારા ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને સ્વચ્છતાનો મહત્વપૂર્ણ સંદેશ સમગ્ર રાજ્યમાં ફેલાવવામાં આવ્યો.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
