<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

આધુનિક ટેક્નોલોજીથી મહેસૂલી સેવાઓ થશે વધુ ઝડપી અને અસરકારક - અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિ

જિલ્લા સ્તરે ટીમવર્ક અને સમયબદ્ધ કામગીરીથી નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ પર ભાર : આણંદમાં મહેસૂલ વિભાગ દ્વારા જિલ્લા કલેકટરોની મહત્વપૂર્ણ કોન્ફરન્સ યોજાઈ

આણંદ, શનિવાર: રાજ્યના નાગરિકોને આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ઝડપી અને અસરકારક મહેસૂલી સેવાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, તેમ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિએ જણાવ્યું હતું. આણંદ ખાતે મહેસૂલ વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કલેકટરોની કોન્ફરન્સમાં તેમણે જિલ્લા સ્તરે અન્ય સરકારી વિભાગો સાથે સંકલન સાધીને એક ટીમ તરીકે નિર્ધારિત સમય મર્યાદામાં નાગરિકોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ લાવવા પર ભાર મૂક્યો હતો.
આણંદના એન.ડી.ડી.બી. ખાતે જિલ્લા પ્રશાસનના સહયોગથી યોજાયેલી આ કોન્ફરન્સને સંબોધતા શ્રીમતી રવિએ મહેસૂલ વિભાગની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે માનવબળને તાલીમબદ્ધ કરવા, તેમની ક્ષમતામાં વધારો કરવા, અન્ય જિલ્લાઓમાં અમલમાં મુકાયેલી શ્રેષ્ઠ પ્રથાઓ (બેસ્ટ પ્રેક્ટિસિસ) અપનાવવા અને આધુનિક ટેક્નોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે સામાન્યમાં સામાન્ય નાગરિકને સરકારની કલ્યાણકારી યોજનાઓનો વ્યાપક લાભ સરળતાથી મળી રહે તે આપણો મુખ્ય ધ્યેય હોવો જોઈએ. આ માટે, સરકારી યોજનાઓના અસરકારક અને સુચારુ અમલ માટે જિલ્લા કક્ષાની ટીમને વહીવટકર્તા તરીકે કલેકટરોએ યોગ્ય માર્ગદર્શન આપવું અત્યંત જરૂરી છે.
અધિક મુખ્ય સચિવએ જિલ્લા કલેકટરોને તેમના જિલ્લાના અન્ય સહયોગી અધિકારીઓ સાથે નિયમિત અંતરાલે બેઠકો યોજીને વિકાસ કાર્યોની પ્રગતિ અને લોકોની સમસ્યાઓના નિરાકરણની સ્થિતિ અને ગતિ અંગે સતત દેખરેખ રાખવા પણ ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે દરેક જિલ્લામાં ઉનાળાની ઋતુમાં હીટ વેવથી બચવા માટે લેવાના જરૂરી પગલાં, ચોમાસા પહેલાં કરવાની તૈયારીઓ અને પીવાના પાણીની પરિસ્થિતિની સમીક્ષા કરીને યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેકટરોને સૂચનાઓ આપી હતી.
શ્રીમતી રવિએ જિલ્લા સ્તરે કાર્યરત અન્ય સરકારી વિભાગો સાથે સંપૂર્ણ સંકલન સ્થાપિત કરીને એક ટીમ ભાવનાથી કામ કરવા અને નાગરિકોના પ્રશ્નોનો સમયસર અને સકારાત્મક ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો.
આ કોન્ફરન્સ દરમિયાન અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિએ આઈ.ઓ.આર., ઈ- ધરા, આઈ.આર.સી.એમ.એસ., આર.આઈ.સી., વિજિલન્સ કમિશનના બાકી રહેલા કેસો, ખાસ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી, સરકારી જમીનની બાકી ફાળવણી, આપત્તિ વ્યવસ્થાપન, સ્વામિત્વ યોજના અને રિ-સર્વે વાંધા નિવારણની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મહેસૂલ તપાસણી કમિશનર અને સચિવ રાજેશ માંજુ, સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ જેનુ દેવન, સેટલમેન્ટ કમિશનર બિજલ શાહ અને જમીન સુધારણા કમિશનર ભાવિન પંડ્યાએ પણ મહેસૂલી કામગીરી અંગે કલેકટરોને માર્ગદર્શન આપ્યું હતું.
કોન્ફરન્સની શરૂઆતમાં આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું. આ મહત્વપૂર્ણ કોન્ફરન્સમાં રાજ્યના તમામ જિલ્લાના કલેકટરોએ સક્રિયપણે ભાગ લીધો હતો.

 

(4:30 PM IST)