News of Saturday, 3rd May 2025
રાજ્યભરમાં તોલમાપ તંત્રના સપાટા : ખાતર, બિયારણ અને જંતુનાશક દવાના 190 વિક્રેતાઓને 5 લાખનો દંડ
MRPથી વધુ ભાવ વસૂલવા અને વજનકાંટાનું ચકાસણી મુદ્રાંકન ન કરાવવા બદલ કાર્યવાહી : ચોમાસા પહેલાં ખેડૂતોને છેતરતા વેપારીઓ સામે કાનૂની પગલાં

ગાંધીનગર: રાજ્યના નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સમગ્ર રાજ્યમાં ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને ખેતીના સાધનોના વિક્રેતાઓ સામે સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન કાયદા અને નિયમોનું ઉલ્લંઘન કરનારા કુલ 190 જેટલા વિક્રેતાઓને આશરે રૂ. 4.95 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
તોલમાપ તંત્રના નાયબ નિયંત્રક, મદદનીશ નિયંત્રક અને ઇન્સ્પેક્ટરો દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં કરવામાં આવેલી આ તપાસમાં મુખ્યત્વે બે પ્રકારની ગેરરીતિઓ સામે આવી હતી. જેમાં ઘણા વિક્રેતાઓ ખેડૂતો પાસેથી ચીજવસ્તુઓની છાપેલી કિંમત (MRP) કરતાં વધુ ભાવ વસૂલતા હતા, જ્યારે અનેક વેપારીઓ તેમના ધંધામાં ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોનિક વજનકાંટાનું નિયમિત ચકાસણી અને મુદ્રાંકન કરાવવામાં પણ બેદરકાર જોવા મળ્યા હતા.
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ખેડૂતો દ્વારા ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓની મોટા પ્રમાણમાં ખરીદી કરવામાં આવતી હોય છે. આ સમયે કેટલાક વિક્રેતાઓ વધુ ભાવ વસૂલીને અથવા વજન-માપમાં છેતરપિંડી કરીને ખેડૂતોનું શોષણ કરી શકે છે. આવા બનાવોને રોકવા અને ગ્રાહક તરીકે ખેડૂતોને તેમના અધિકારો વિશે જાગૃત કરવાના વિશાળ હેતુથી આ રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી હતી, તેમ કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા જણાવાયું છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈપણ વેપારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
